તલગાજરડા, ગુજરાત | ૦૬ નવેમ્બર ૨૦૨૬ | આપણા સમાજનાં દરેક ભાઈ- બહેનો, બીજા શબ્દોમાં કહું તો વસુધૈવ કુટુંબકમ, સૌને દિવાળીના અને નુતનવર્ષના ખૂબ ખૂબ અભિનંદન, વધાઈ અને પ્રણામ. આપણે નાના હતાં ત્યારે સ્કુલમાં પ્રાર્થનામાં ગવાતું કે ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઇ જા. તું હીણો હું છું તો તુજ દર્શનના દાન દઈ જા.’ મૂળમાં તો આ ઔપનિષદિય પ્રાર્થના છે. આપણે બધા જ જાણીએ છીએ કે અસતોમાં સતગમય, તમસોમાં જ્યોતિરગમય, મૃત્યોરમાં અમૃતમગમય. દિવાળીના અને નુતનવર્ષના મંગલ પ્રસંગે આપણા ઋષિની દૃષ્ટિ આદિકાળથી એ રહી છે કે આપણે અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરીએ. અને હે પ્રભુ, એ ગતિમાં આપ અમને હાથ પકડીને આગળ લઇ જાવ. અંધકારનાં ઘણા અર્થ થાય. અંધકાર પણ થાય, અવિદ્યા પણ થાય, મોહ પણ થાય અને અહંકાર પણ થાય. કૂલ મળીને જોઈએ તો આવી આસુરી સંપદાના ઘનીભૂત અહંકારને, અંધકારને અમને વિવેક, જ્ઞાન, વિચાર, સમર્પણ, સત્ય, પ્રેમ અને કરુણા. આ બધા શાશ્વત પ્રકાશનાં તત્વો છે, તેના તરફ પરમાત્મા આપણને દોરી જાય.
શ્રી ચિત્રકૂટધામ તલગાજરડાથી આ મંગલ પ્રસંગે હું એવી પ્રાર્થના કરું કે પુરા સંસારમાં સંઘર્ષ શમે, યુદ્ધો શાંત થાય, પરસ્પર સંવાદનું વાતાવરણ રચાય અને આપણે એકબીજાનો સ્વીકાર કરતાં થઈએ. કોઈ પણ જાતના ભેદ વગર, હું હમેશાં કહું છું કે સ્વીકાર એ મહામંત્ર છે. આવું આ નવલ પ્રભાતે આપણમાં વિશેષ રૂપે આવે તેવી હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરું છું. ‘ગીતા’નું એક વાક્ય છે, ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવતાં સમજાવતાં કહે છે કે હે અર્જુન, યુદ્ધાય કૃતનિશ્ચય…તું યુદ્ધનો નિર્ણય કર. આ તો જે તે સમય, જે તે સ્થાન, જે તે સમાજ, જે તે પ્રશ્નો, એને સામે રાખીને કહેવાયેલું વાક્ય છે. પરંતુ ભગવાન કૃષ્ણ અત્યારે પુનઃ આપણા ‘મહાભારત’ માં પ્રગટે અને કોઈ અર્જુન એને મળી જાય તો કદાચ ભગવાન કૃષ્ણ એવું પણ કહે કે હે અર્જુન, હવે યુદ્ધાય કૃતનિશ્ચય, એની જગ્યાએ હવે બુદ્ધાય કૃતનિશ્ચય…તમે બુદ્ધ બનો. બુદ્ધ બનવાનો નિર્ણય કરો. આવું કદાચ કૃષ્ણ કહી શકે. ખેર, આજના પાવન પર્વે આ ચેનલ દ્વારા આ સંદેશ પ્રસારિત કરવા જઈ રહ્યો છું ત્યારે આપના દર્શકો, શ્રોતાઓ અને વાચકોને, સૌને ચિત્રકૂટધામ તરફથી નવા વર્ષના અને દિવાળીના વંદન અને પ્રણામ. ખુશ રહો બાપ, ખુશ રહો. જય સીયારામ.
== સમાપ્ત ==

