પતિત પાવની મા ગંગાનાં તીરે,દેવભૂમિ-તપોભૂમિ ઋષિકેશ ખાતે વહી રહેલી કથાગંગાનાં બીજા દિવસે: શ્રી મોરારી બાપુ

0
12
*અનુકરણ એક પ્રકારનું મરણ છે.*
*જે અખંડ છે એ બ્રહ્મ છે.*
*આપણને અનુરાગની છાયામાં વૈરાગ્યની પ્રાપ્તિ થાય.*
*મંત્ર જપવો પડે છે અને નામનું સ્મરણ થાય છે.* *જપથી સિદ્ધિ મળે છે અને સ્મરણથી શુદ્ધિ મળે છે.*
*જપ એકલા કરવાના હોય અને સ્મરણ સંકીર્તન સમૂહમાં,આંસુઓ સાથે થાય.*
પતિત પાવની મા ગંગાનાં તીરે,દેવભૂમિ-તપોભૂમિ ઋષિકેશ ખાતે વહી રહેલી કથાગંગાનાં બીજા દિવસે ખુબ સુંદર જિજ્ઞાસાનો વિસ્તારથી જવાબ આપ્યો. માનસના સાત સોપાન છે,દરેક સોપાનને અંતે તુલસીદાસ ફળાદેશ બતાવે છે.છ કાંડમાં તુલસીજીએ પોતાનું નામ નથી લખ્યું અને એક કાંડમાં લખ્યું છે,આવું કેમ?
એનો જવાબ આપતા બાપુએ સ્પષ્ટતા કરી કે પંડિત રામકિંકરજી મહારાજનાં શરણાગત પૂજ્ય મૈથિલી શરણજીએ એમને આ પ્રશ્ન પૂછેલો.એ બંને વચ્ચેનો સંવાદ આપની સામે રાખીશ.
એ પહેલા સ્પષ્ટતા કરી કે પંડિત રામકિંકરજીની શતાબ્દી છે,ગઈ ૩૦ તારીખે ગયો,ત્યાં એક સંચાલકે એવું નિવેદન કર્યું કે આજના બધા જ વક્તાઓ પંડિત રામકિંકરજી મહારાજનું અનુકરણ કરી રહ્યા છે.બાપુએ કહ્યું કે મારી સાધુતા ખંડિત ન થાય એમ વિનમ્ર રીતે મેં કહેલું કે હું પંડિતજીનું અનુકરણ નથી કરતો પણ એના સૂત્રો મારા આત્મા સુધી પહોંચ્યા હોય એને મારી પોતાની શૈલીમાં પ્રસ્તુત કરું છું,નકલ નથી કરતો.એક વક્તાએ કહેલું કે અમુક કથાકારો હિન્દી ઉપરાંત અંગ્રેજી અને ઉર્દુ શબ્દ પણ એમાં રાખે છે,આ મીઠો પ્રહાર કોના ઉપર હતો હું સમજી શકું છું,પણ એટલું જ કહું કે બ્રહ્મવિચારમાં ભાષાને વચ્ચે શું કામ રાખો છો!આ પ્રહારક હાથમાં દોહાવલીનાં એક દોહોનો પ્રસાદ દેવા માગતો હતો. ઠંડી ઓછી કરવા માટે કોથળો ઓઢો,કંતાન ઓઢો કે સાલ એનાથી શું ફરક પડે છે!
અનુકરણ એક પ્રકારનું મરણ છે,જ્યાં મૌલિકતા અને નીજતા નથી ત્યાં મૃત્યુ છે.બાલકાંડમાં તુલસીજી સમાપનમાં લખે છે:
*સિય રઘુબીર બિબાહુ જે સપ્રેમ ગાવહિ સુનહિ;*
*તિન્હ કહું સદા ઉછાહુ મંગલાયતન રામ જસુ*
બાલકાંડથી ઉત્સાહ વર્ધન થશે.બીજો કાંડ-અયોધ્યા એ બાકી રાખી ત્રીજા સોપાનના સમાપનમાં ફળાદેશ છે કે:ભગવાન રામનો યશ જે ગાશે એ વિરાગ,જપ અને યોગના સાધન વગર રામ ભક્તિ પ્રાપ્ત કરી લેશે ચોથા સોપાનમાં કહ્યું છે:સંસારના રોગની ઔષધિ ભગવાનની કથા મનોરથ પૂરા કરશે.ત્રણ બ્રહ્મની ભેટ થઈ છે.વેદનો શાંતિ મંત્ર આપણે બોલીએ છીએ ત્યાં લખ્યું છે કે બ્રહ્મમાં શાંતિ થાઓ.બ્રહ્મ ક્યાં અશાંત છે?બ્રહ્મ સ્વયં શાંત છે અને બીજાને પણ શાંતિ આપનાર છે.માણસ એકલો શાંત હોય એનાથી પણ બુદ્ધપુરુષ અન્યને પણ શાંતિ આપે એ વધારે સારું છે.હનુમાનજીએ એકલા જ ૧૧ લોકોને શાંતિ પ્રદાન કરી છે એની વાત પણ બાપુએ કરી.
બ્રહ્મના અનેક અર્થ છે.બ્રહ્મ એટલે-રામ,સિયારામ, કૃષ્ણ,રાધાકૃષ્ણ,શંકર,ઉમાશંકર,હનુમાન,રામ,વેદ, બ્રહ્માંડ,વાણી,શાસ્ત્ર,ગ્રંથ,સદગુરુ તો સાક્ષાત પરબ્રહ્મ છે,બ્રહ્મવિદ્યા પણ બ્રહ્મ છે.નરસિંહ મહેતા કહે છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે,બોલનાર પણ બ્રહ્મ અને સાંભળનાર પણ બ્રહ્મ! સર્વં ખલુ ઈદં બ્રહ્મ.
સુંદરકાંડના સમાપનમાં કહ્યું છે કે જહાજ વગર ભવ સિંધુ પાર કરી જશો.લંકાકાંડનો આશ્રય કરશે એ વિજય,વિવેક અને વિભૂતિ પ્રાપ્ત કરશે.કારણ કે વિજય પછી વિવેક જરૂરી છે.અને ઉત્તરકાંડનું ફળ છે-પતંજલિએ જે અવિદ્યા બતાવી છે એ અવિદ્યા અને કલેશ ભગવાન હરણ કરશે.પણ એક માત્ર બીજા અયોધ્યાકાંડમાં તુલસીએ પોતાનું નામ લખ્યું છે.તુલસીને કોઈ મનોરથ સિદ્ધ નથી કરવો,કોઈ કલેશથી મુક્ત નથી થવું,કોઈ દ્રઢ વસ્તુ નહીં,ભવ રોગથી મુક્ત નથી થવું,તુલસીને બે જ વસ્તુ જોઈએ છે:એક અનુરાગ અને બીજો વિરાગ.પોતાની વાત આવે ત્યારે માણસ પોતાનું નામ લખે છે.અનુરાગની છાયામાં મને વિરાગ મળો.
બાપુએ કહ્યું કે તથાકથિત વૈરાગમાં માણસો નીરસ બની જાય છે.આ ન ખવાય,આ ન જોવાય,અહીં ન બેસાય.પરમાત્મા પાસે મા ગંગાનાં તટ ઉપર પ્રાર્થના કરું કે આપણને અનુરાગની છાયામાં વૈરાગ્યની પ્રાપ્તિ થાય.
બાપુએ યોગેશ ચોલેરા સંપાદિત ત્રણ ગ્રંથો બુદ્ધની જાતક કથાઓની વાત પણ કરી અને કહ્યું કે તમારી આત્મા જેના ચરણમાં બળપૂર્વક ખેંચાય એ આપણો ગુરુ છે.
દીક્ષાની પરંપરા સારી છે પણ એવા શિષ્યો પણ જોયા છે જે ગુરુથી દીક્ષા લીધા પછી કોર્ટનાં કેસ પણ કર્યા છે.આ બ્રહ્મવિદ્યા,બ્રહ્મવિચાર,બ્રહ્મસુખ, બ્રહ્મવેદ બોલવામાં પણ રસ પડે છે.જે અખંડ છે એ બ્રહ્મ છે.
કથા પ્રવાહમાં હનુમંત વંદના પછી રામકાર્યનું સહયોગ કરનાર બધાની વંદના અને એ પછી જનક સુતા જગજનનિ જાનકીની વંદના કરી.નામ વંદનાનું ખૂબ મોટું પ્રકરણ ખોલતા બાપુએ કહ્યું કે મંત્ર જપવો પડે છે અને નામનું સ્મરણ થાય છે.જપથી સિદ્ધિ મળે છે અને સ્મરણથી શુદ્ધિ મળે છે.જપ એકલા કરવાના હોય અને સ્મરણ સંકીર્તન સમૂહમાં, આંસુઓ સાથે થાય.
*દેખા કિતાબે ખોલ કર ઇશ્ક કે પન્નો પર;*
*અવ્વલ ભી તેરા નામ થા,આખિર ભી તેરા નામ થા.*
*Box:*
*કથા વિશેષ:*
*બાપુના સ્વમુખે અખંડ અશ્રુધારા સાથે વહી દાદાના કુળની નહીં પણ મૂળની વાત*
“દાદા-વિષ્ણુદાસ હરીયાણી નામ.ત્રિભુવનદાદાના સૌથી નાના ભાઈ.ત્રિભુવનદાસ બાપુ પછી જાદવ દાસ બાપુ-ભીખારામ કાકાના પિતાજી.અને ભીખારામ કાકાનાં માતા મણિ મા.મંદિરમાં આરતી કરતા ક્યારેક મને પણ આરતીનો લાભ મળતો. વિષ્ણુદાસ દાદા કૈલાસના મહામંડલેશ્વર થયા અમે વૈરાગી બાવા કહેવાય છીએ.લેબલ તો લાગ્યું જ છે લેવલ છે કે નહીં એ છોડો! અને ઘણા માર્ગી કહી અને નિંદા અને ટીકા પણ કરે છે.વિષ્ણુદાસ દાદાએ વિવાહ નહોતા કરેલા.એમાં સંકેત લાગે છે ત્રિભુવનદાસ બાપુએ દબાવ નહીં કર્યો હોય અને પછી વિચાર વ્યક્ત કર્યો કે ઘર છોડવા માગું છું. સન્યાસ લેવો છે, ત્યારે સૌથી વધુ પીડા થઈ હતી અમૃત મા ને;કારણ કે અમૃત માના એ દીયર હતા. પછી તો એ સૌરાષ્ટ્રની યાત્રા ઉપર ગયા અને ત્યાંથી કાશી આવ્યા.દંડી આશ્રમમાં ખૂબ સંસ્કૃત અને સંસ્કૃતના પંડિત થયા.સ્વામી શરણાનંદજી પણ ત્યાં જ ભણેલા અને એ સમયે એ સાથે હતા.સંસ્કૃતનાં શિઘ્ર કવિ હતા.વેદાંત રત્નાકર-જેમાં છંદોને સંસ્કૃત માં તેઓએ ઉતાર્યા.પછી છાત્રનાં રૂપમાં રહ્યા પછી ઉત્તરની તરફ યાત્રા કરતા કરતા ઋષિકેશ આવ્યા. ક્યાં જવું,ક્યાં રહેવું કંઈ માલુમ નહોતું.ગંગામાં સ્નાન કર્યું અને આ મુનિની રેત પાસેથી પણ નીકળ્યા હશે કૈલાશ આશ્રમમાંથી અનેક વિભૂતિઓ નીકળી છે: વિવેકાનંદજી,શિવાનંદજી અનેક વિભૂતિઓ.દાદા વિદ્યા વાચસ્પતિ કહેવાતા.એને જોઈને જ તમામ પ્રકારનું ભણતર આવી જાય એવી વિભૂતિ.ત્યાં જઈ અને સંન્યાસનો નિર્ણય કર્યો ત્યારે પૂછાયું કે કયા કુળમાંથી?ક્યાંથી આવ્યા છો?શા માટે દીક્ષા લેવી છે અને એકમાત્ર જવાબ સાંભળવા જેવો છે.તેઓએ કહ્યું કે:હું બધાને ભૂલીને આવ્યો છું! કૈલાશ પીઠાધીશને લાગ્યું હશે કે સંન્યાસના અધિકારી છે અને દાદા પ્રેક્ટીકલ પણ ઘણા રહ્યા હશે.સંન્યાસમાં સિવેલા કપડાં પહેરવાની મનાઈ હોય છે પણ એમાં અસુવિધા થતી,મર્યાદા લોપાતી ત્યારે એ કાળમાં- જેને હું વિષ્ણુ યુગ કહું છું-સિવેલા વસ્ત્ર પહેરવાનું શરૂ કર્યું અને કહ્યું કે વસ્ત્રને કારણે સંન્યાસ ખંડિત નથી થતો.આ મર્યાદા તલગાજરડાનાં ઘરમાં મર્યાદા પુરુષોત્તમની ભક્તિનું પ્રમાણ છે.મહામંડલેશ્વરનું પદ દેવાની વાત આવી ત્યારે ભાગ્યા કે મારે નથી જોતું! હું ગંગામાં કૂદી પડીશ.પણ ગુરુજનોના આદેશથી એ પદનો સ્વીકાર કર્યો,પણ એનો ભાર ન રાખ્યો.જ્યાં સુધી આશ્રમમાં રહ્યા આશ્રમનો વિકાસ ન કર્યો,કહ્યું કે સિમેન્ટ અને ઈંટો ગણવા માટે હું સંન્યાસી નથી બન્યો.આ સામે વિશ્રામ સ્વરૂપ મહાદેવને ભજો. બાપુએ કહ્યું કે અમારું દુર્ભાગ્ય એ કે તલગાજરડા છોડ્યા પછી ક્યારેય ગુજરાત ન આવ્યા અને અમારું ગૌરવ સમજો તો એમ લાગે કે સંન્યાસી આવા જ હોવા જોઈએ.
મુંબઈ સુધી પ્રવચનો માટે આવતા અને ત્યારે ત્યાં રહેતા વનમાળી દાદાએ પત્ર લખ્યો કે દાદા મુંબઈ આવ્યા છે.ત્રિભુવન દાદા પણ સફેદ વસ્ત્રમાં પરમ સન્યાસી!એણે કહ્યું કે સારું લાગશે,પણ હું જઈશ ને એના સંન્યાસમાં ખલેલ પહોંચે તો! ઘણું કહ્યું ત્યારે ત્રિભુવન દાદા ગયા.એ વખતે જે ગૌરવ ગણાતું એવા માધવબાગમાં પ્રવચન થતા હતા.દાદા ગયા કંઈ બોલ્યા નહીં,બંનેમાંથી કોઈ કંઈ ન બોલ્યા,માત્ર આંખોના ખૂણા ભીંજાતા.એ વખતે એને ખબર ન હતી કે અમૃત ભાભી(અમૃત મા)છે કે નહીં.ત્રિભુવન દાદાએ આવીને કહ્યું કે ઉભો થયો ત્યારે પૂછ્યું કે મારી માતા સ્વરૂપ અમૃતમાં કેમ છે! થોડાક દિવસ પછી દાદા આવી ગયા.
મહામંડલેશ્વરનું પદ છોડી દીધું.ટ્રસ્ટી કહેતા હતા કે વિકાસ કરો.એ પછી કૈલાશ આશ્રમનાં આ ઓરડામાં રહ્યા.થોડીક ઉંમર થઈ ઉત્તર કાશી તરફ આરોહણ કર્યું હતું.અને જ્યાં ખરેખર એ ચમત્કાર થયો છે એવી પણ વાતો જોડાયેલી છે,રાજસ્થાનમાં દુકાળ પડ્યો,યજ્ઞ કર્યો પણ એ વાતોને હું જવા દઉં….
ઉત્તર કાશીના એક ઓરડામાં રહેતા અને જિજ્ઞાસુઓને જવાબ દેતા અને મૌન સાધનામાં હરિસ્મરણ કરતા.
એ વખતે તલગાજરડાથી યાત્રાની બસ નીકળતી ચારધામની યાત્રામાં સાધુ અને બ્રાહ્મણને મફત લઈ જતા.મારા પિતા પ્રભુદાસ બાપુને પણ પૂછ્યું કે તમે આવો.મને ક-મને એ ગયા અને વિષ્ણુદાસ દાદાએ પ્રભુદાસ બાપુનો ખભો પકડીને પરિક્રમા કરી.પાછા આવ્યા ત્યારે અમે પૂછ્યું શું લાવ્યા? ત્યારે કહ્યું કે દાદાએ પણ કંઈ પૂછ્યું નહીં અને પ્રભુદાસ બાપુએ પણ કંઈ માગ્યું નહીં.
બાપુએ કહ્યું કે આ મારા કુળની નહીં,મારા મૂળની વાત કરી રહ્યો છું.અમે પૂછ્યું ત્યારે પ્રભુદાસ બાપુનો જવાબ હતો:ખભો લઈને આવ્યો છું,આ ખભાને સ્પર્શી લ્યો જ્યાં એક પરમ સન્યાસીનો હાથ રહ્યો છે આ જ અમારી સંપદા છે.એ પછી પોસ્ટકાર્ડ આવતું અને લખ્યું કે રામચરિત માનસ આપણો મૂળ ગ્રંથ છે પણ બાળકોને ભગવત ગીતા પણ શીખવજો. અમારામાં અગ્નિસંસ્કાર નથી થતા.ભૂમિ સમાધિ થાય છે.દાદાને જળ સમાધિ ગંગામાં આપવામાં આવી કારણ કે સંન્યાસી અગ્નિ અને સ્ત્રીનો સ્પર્શ કરી શકતા નથી.બાપુએ કહ્યું કે હું ગંગા સ્નાન કરું ત્યારે એવું લાગે છે કે વિષ્ણુ સ્નાન કરી રહ્યો છું. વધારે પડતા રડતા-રડતા બાપુએ કહ્યું કે ગંગાના પ્રવાહમાં એમના શરીરને વહાવી દીધું.શરીર સાથે પથ્થર બાંધવામાં આવે છે.અમને એ સમાચાર થોડા દિવસ પછી મળ્યા કે દાદા નિર્વાણ પદને પ્રાપ્ત કરી ગયા છે.આમ તો અમારે ત્યાં ચૂલો ઓછો સળગતો, ભિક્ષા લઈને અમે નિર્વાહ કરતા.ત્રણ દિવસ સુધી સાવિત્રી મા એ રસોઈ ન કરી અને ગામમાં ખબર પડી તો આખા ગામે એ દિવસે કંઈ ખાધું નહીં. બાપુએ કહ્યું કે:હે દાદા! અમે તમને નિરખ્યા પણ નહીં અને પરખ્યા પણ નહીં!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here