ચિત્તનું ધ્યાન રાખવું કારણકે પરમાત્મા ચિત્તમાં નિવાસ કરે છે

0
33

સાધુ ચિત્ત સમાન અને સરળ હોય છે.

ચિત્ત અને ચોટને ખૂબ નજીકનો સંબંધ હોય છે.

ચિત્તને ચોટ જલ્દી લાગી જાય છે.

આપણે અકારણ ખૂબ જ ભીડમાં રહીએ છીએ. 

ઇલોરા કંદરાની નજીક વહી રહેલી કથાગંગાનાં સાતમા દિવસે આરંભે એક મંત્રનું ગાન કરાયું જેમાં ચિત્ત વિશે ઘણો પ્રકાશ પાડવામાં આવ્યો છે.

બાપુએ કહ્યું કે મન અને બુદ્ધિમાં ફરક હોય છે મનનો મૂળ સ્વભાવ નિરંતર સંકલ્પ-વિકલ્પ હોય છે અને

બુદ્ધિ નિર્ણય કરે છે,ચિત્તની ગુફા લક્ષ્ય પણ છે અને અલક્ષ્ય પણ છે.ચિત્તનો અર્થ છે ચિંતન કરે છે, નિરંતર ચિંતન કરે છે.ચિત આપણને ખેંચી લે છે, ગ્રહણ કરે છે,સંગ્રહ કરે છે.

મન ન સંભાળી શકાય કે બુદ્ધિ પણ એટલી સંભાળી ન શકાય તો તકલીફ નથી પણ ચિત્તનું ધ્યાન રાખવું. કારણકે પરમાત્મા ચિત્તમાં નિવાસ કરે છે.

બાપુએ આજે જણાવ્યું કે ચિતનું ધ્યાન કેવી રીતે રાખવું?સાધુ સમાન ચિત્ત પ્રાપ્ત કરવા માટે શંકરાચાર્યજીએ જે શ્લોક કહ્યો છે એના અતિ સરળ લક્ષણ બાપુએ જણાવ્યા.સાધુ ચિત્ત સમાન અને સરળ હોય છે.સાધુ ચિત તમારા ઉપર ઝડપથી ભરોસો કરી લે છે.એટલે આપણું ચિત સાધુ ચિત્ત બનાવવું જોઈએ.ચિત્ત અને ચોટને ખૂબ નજીકનો સંબંધ હોય છે.ચિત્તને ચોટ જલ્દી લાગી જાય છે. બાપુએ કહ્યું કે શંકરાચાર્યજીએ જે છ લક્ષણ આપ્યા તમે એ જીવનમાં પ્રયોગ કરજો.

હિતપરિમિતભોજી:

શરીરનું હિતકારી અનુકૂળ હોય એવું સીમિત માત્રામાં ભોજન એ સાધુ ચિત્તની યાત્રા કરાવે છે.

નિત્યમેકાંતસેવી:

એકાંતમાં રહેવાનો અભ્યાસ કરજો.નિયમિત મૌનની ગુફામાં ચાલ્યા જજો.આપણે ખૂબ જ ભીડમાં રહીએ છીએ.૧૦-૨૦ મિનિટ એકલા થઈ જાવ.હું પણ આપને કેટલો બધો મળું છું પણ મારું એકાંત બરકરાર રાખીને મળું છું.

સકૃતહિતૌક્તિ:

એક વખત સામેવાળાના હિતની વાત કહી અને એ ન માને તો નારાજ ન થઈ જાવ.ક્રોધ ન કરો.

સ્વલ્પનિદ્રાવિહારૌ:

એ જ રીતે નિદ્રા અને નિંદા બેય ઓછા થઈ જાય તો સાધુ ચિત્ત પ્રાપ્ત થાય છે.રાતની નિદ્રા અને દિવસની નિંદા ઓછી કરજો.સાધુ ૨૪ કલાકમાંથી એક પ્રહર- ત્રણ કલાક જ આરામ કરે છે.એ જ રીતે વિહાર પણ ઓછો કરો.

અનુનિયમનશીલૌ:

કોઈક નિયમ બનાવી અને નિયમિત રીતે પાઠ ધ્યાન કે સેવાનું કાર્ય કરો.

ભજત્યુક્તકાલૈ:

એ જ રીતે અનુકૂળ સમય મળે ત્યારે કોઈને નડીએ નહીં એ રીતે ભજન કરી લો.આવું કરવાથી તરત જ સાધુ ચિત્તની પ્રાપ્તિ થાય છે.

એ પછી બાપુએ પ્રવર્ષણની ગુફામાં વર્ષાઋતુ અને શરદ ઋતુનું વર્ણન કરતી અનેક પંક્તિઓ કે જે પંક્તિઓમાં અડધી પંક્તિ પરિસ્થિતિનું વર્ણન અને એ પછી અડધી પંક્તિ બોધ દેતી હોય એમ ઋતનું વર્ણન કરે છે-એ પંક્તિઓનું ગાન કર્યું અને જણાવ્યું કે પાખંડીઓએ પોતાની નાની-નાની શાખા પ્રશાખાઓ સ્થાપિત કરવા માટે મૂળ સનાતનની પરંપરા સાથે જે ચેડા કર્યા છે અને એમાં વિદ્વાનોને રોકીને ક્ષેપક ઉમેર્યા છે.બાપુએ કહ્યું કે અમે તમારા ગ્રંથોમાં કોઈ ક્ષેપક નાખ્યો નથી,તમારા ગ્રંથોને અમે સ્પર્શતા પણ નથી!પણ આ બધું તુલસીદાસજી કહે છે એમ-પાખંડ એ જમીન ઉપરનું ઘાસ છે અને મોહના ભયંકર ઘનઘોર અંધારાને કારણે ઈર્ષા,દ્વૈષ, નિંદા,ક્રોધ,પ્રતિશોધ આ બધું આવતું હોય છે.મોહ નષ્ટ થવાથી બધું જ નષ્ટ થાય છે.

એ પછી કથા પ્રવાહમાં પુષ્પવાટિકામાં સિતાજીનું દેવીપૂજન,ભગવાન રામે શિવ ધનુષ્ય ચડાવી અને ધનુષ્ય યજ્ઞ પૂરો કર્યો અને સીતા અને રામજીના વિવાહ,સાથે ચારે ભાઈઓના લગ્ન થયા.જાન ઘણા દિવસ સુધી જનકપુરમાં રોકાઇ અને એ પછી કન્યા વિદાયનો કરુણ પ્રસંગ પણ બાપુએ વર્ણવ્યો.

Box

કથા વિશેષ:

ચિત્તનું પતન કઇ રીતે થાય છે?

એક મંત્ર જે ચિત્તની સ્થિતિને આ રીતે વર્ણવે છે:

લક્ષ્યચ્યુતં ચેત યદિ ચિત્તભિષક બહિર્મુખં

સન્નિપેતત્ તતસ્થ તત: પ્રમાદ: પ્રચ્યુત

કેલિકંદુક: સૌપાનપંકતૌ પતિતો યથા તથા

એટલે કે ચિત્ત જો લક્ષ્ય ચૂકી જાય તો એનું પતન થાય છે.

કઇ રીતે?

જેમ કોઇ સીડી ઉપર બાળક દડાથી રમતું હોય ને દડો બાળકનાં હાથમાંથી છૂટી જાય તો સીડી પરથી એનું સતત પતન થતું જાય છે એમ ચિત્તનું પતન થાય છે.

એકવાર પ્રમાદ થયો તો પતન ચાલુ થાય છે માટે સાધકે ચિત્તને સંભાળીને રાખવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here