અપાત્ર ઉપર વધારે પડતો ભરોસો આપણા પતનનું કારણ છે.
નામ જપનારે સ્પર્ધા પણ છોડવી જોઈએ.
એક માત્ર નામ જ પર્યાપ્ત છે.
ધરતીનાો છેવાડો ગણાતા આર્જેન્ટિનાનાં ઉસૂવાયા પ્રદેશમાં ચાલતી રામકથાનાં બીજા દિવસે ચૈત્રી નવરાત્રિ તથા નવા સંવત્સરની શુભકામનાઓ સાથે વિવિધ પ્રશ્નોના જવાબ આપતા બાપુએ જણાવ્યું કે અંતિમ આખીરી ઉપાય હરિનામ છે એનો મતલબ રામ,કૃષ્ણ,શિવ,દુર્ગા,હનુમાન ચાલીસાની પંક્તિ-આપને જે રૂચિ હોય એ લો.ગુરૂને પરબ્રહ્મ સમજતા હો તો ગુરુના નામનો પણ જપ કરી શકો છો,પણ સહજ હોય તો જ.
કથાધારામાં હનુમાનજીની વંદના પછી સીતારામજીની વંદના કરી અને ગોસ્વામીજીએ નામ મહારાજ,પ્રભુનામની વંદના કરી.
બંદઉં રામ નામ રઘુવર કો,
હેતુ કૃષાનુ ભાનુ હિમકર કો;
બિધિ હરિ હર મય બેદ પ્રાન સો,
અગુન અનુપમ ગુન નિધાન કો.
રામચરિત માનસમાં ‘વ’ કાર શબ્દ ઘણી વખત દેખાય છે.પહેલા જ શબ્દ વર્ણથી શરૂ કરીને છેલ્લો શબ્દ માનવા: સુધીમાં અનેક વખત ‘વ’ દેખાય છે.એનું કારણ છે કે તુલસીદાસજીનો આ ગ્રંથ વેદાંતનો પરમ ગ્રંથ,વિજ્ઞાનનો,વૈરાગ્યનો,વિશ્વાસનો,વિહારનો અને વિનોદનો પણ પરમગ્રંથ છે.
રામનામ મહામંત્ર છે.ભગવાન કૃષ્ણ રાધે રાધેનું રટણ કરે છે.શ્રી રાધે કૃષ્ણનો મહામંત્ર છે.
પણ પ્રેમરૂપી સરોવરમાં કેવી રીતે ઉતરવું?રામ સાગર છે.રાધા,મીરાં અને માનસ-માનસરોવર છે.આવા નામરૂપી સરોવરમાં ડૂબવું હોય તો પાંચ વસ્તુથી બચવું જોઈએ:દળ એટલે કે ગ્રુપથી બચીએ. દલ,દલ-દલમાં ફસાવી દે છે.પોતાનાં બળને છોડવું જોઈએ કારણ કે નામ પણ એ છે અને નામી પણ એ છે.કોઈપણ પરિસ્થિતિ આવે કોઈ ફરિયાદ,ગીલા શિકવા-ન કરવા જોઈએ.મન તું શીદને ચિંતા કરે? કૃષ્ણને કરવું હોય એ કરે! કુસંગથી દૂર રહેવું જોઈએ કારણ કે અહંકાર,કુસંગ,નેટવર્ક અપાત્ર ઉપર વધારે પડતો ભરોસો આપણા પતનનાં કારણ છે.નામ જપનારે સ્પર્ધા પણ છોડવી જોઈએ.
એટલે વારંવાર કહું છું એક માત્ર નામ જ પર્યાપ્ત છે.
કહો કહાં લગી નામ બડાઈ,
રામુ ન સકહિ નામ ગુન ગાઇ.
નહીં કલી કરમ ન ભગતિ બીબેકુ,
રામ નામ અવલંબન એકુ.
રામ નામનો મતલબ શિવ,કૃષ્ણ,દુર્ગા બધા એક જ છે.
એ પછી રામકથાનો ઇતિહાસ-જેમાં મહાદેવે રામાયણની રચના કરી,પોતાના હૃદયમાં રાખી યોગ્ય સમય જાણી પાર્વતીને સંભળાવી.એ પછી કથા કાગભુશુંડીને મળી ત્યાંથી ગરુડે સાંભળી. યાજ્ઞવલ્ક્યએ ભરદ્વાજને સંભળાવી.તુલસીદાસે શુક્લ ક્ષેત્રમાં પોતાના ગુરુ પાસે વારંવાર સાંભળી અને રામનવમી ૧૬૩૧માં અયોધ્યામાં એનું પ્રકાશન થયું.
માનસરોવરનાં ચાર ઘાટનું રૂપક પણ અહીં બતાવ્યું ભરદ્વાજને સંશય થાય છે એ રામ વિશે પૂછે છે કે અવિનાશી શિવ પણ નિરંતર રામમંત્ર નો જપ કરે છે તો એ રામ શું છે?
શિવ પાસે જપ,તપ,યોગ,પૂજા-પાઠ કંઇ કરવાની જરુર નથી,બસ તારા શરણમાં આવીને પ્રણામ કરું છું એટલું કહેવું પર્યાપ્ત છે.
શેષ-વિશેષ:
સત્યને આપ ખેંચીને ગમે એટલું નિર્વસ્ત્ર કરી શકશો, નગ્ન નહીં કરી શકો
હદ છે!આ લોકોએ નાથ ને મોયડો ય કાઢી નાંખ્યા છે!
શિવ ઈશ્વર છે.ઈશ્વર શબ્દ વધારે પડતો શિવ સાથે જોડાયેલો છે.શિવ રામનામના મહામંત્રનો નિરંતર જપ કરે છે.પણ ઘણા જ નાસમજ,સમાજમાં ભ્રાંતિ ફેલાવનારા લોકો એવું નિવેદન અને લેખન કરે છે કે શંકર ભગવાન કૈલાશમાં બેસીને રામ,કૃષ્ણનું નહીં.. તો કોનું નામ લેતા હતા?એ લોકોના જે છે એમનું નામ લેતા હતા!હદ છે!નાથ ને મોયડો જ કાઢી નાંખ્યા છે! પાખંડ ફેલાયો છે.
શ્રીમન્ મહાપ્રભુજી કહેતા કળિયુગમાં પાખંડ કેટલી હદે ફેલાશે અને એ સાચું પડી રહ્યું છે.
કંઈ પણ કહો અમુક લોકો પાસે ચોપડીઓ છે,ગ્રંથ નથી.ગ્રંથનો અર્થ ગ્રંથિથી મુક્ત કરે એ.ગ્રંથ તો ભાગવત,ગીતા,મહાભારત અને વેદ સદગ્રંથો છે.
આ લોકો પાસે નાની-મોટી ચોપડીઓ છે.
શિવજી સેવા કરતા હતા!આવી વાતો કરે છે,લખે છે. કળિયુગનો આ પ્રભાવ છે.પ્રચુર માત્રામાં આ બધું ચાલી રહ્યું છે.
જગતગુરુ આદિ શંકરાચાર્યએ એક વખત કહેલું કે સનાતન ધર્મનું ખંડન કરતા હોય એવા લોકોના દેવસ્થાનમાં પગ પણ ન મૂકવો જોઈએ.હાથી પાગલ થઈને તમને એના પગમાં કચડી નાખવાનો હોય તો કચડાઈને મરી જજો પણ સનાતન ધર્મની વિરુદ્ધમાં બોલનારાઓના દેવસ્થાનમાં પગ ન મુકતા!
આવો સંકલ્પ કરવાનો ફરીથી સમય આવી ગયો છે. (તાલીઓ વાગે છે ત્યારે)બાપુએ કહ્યું આમ તાલી વગાડી અને વાતને ઉડાડી ન દેતા.મારા પર કેટલા પ્રહાર થાય છે હું જાણું છું.
બધાનું કર્તવ્ય છે.ઊંચાથી પણ ઊંચા દંડવત કરવા યોગ્ય સ્થાનથી ચાલુ કરી અને આપણા જેવા તુચ્છ લોકો સુધી-આ બધા જ નું કર્તવ્ય છે.આવી સભાઓમાં મનોરંજન કરવા પણ ન જવું જોઈએ. શંકર ભગવાન,એમનું,એ કહે છે કોઈ બીજાનું નામ લેતા હતા!
એક વિડીયો કહે છે યદા યદા હી ધર્મસ્ય… કોણ બોલ્યું?અને પછી એના બધા જ હસતા હસતા કહે છે: આપણા ગુરુ બોલ્યા!!આ વિડીયો છે, જગજાહેર છે.
પણ સત્ય,સત્ય રહેશે.
તકલીફ પડે છે એ કાન દઈને મને સાંભળે છે,એ રીતે એ મારા શ્રોતાઓ છે!પણ આપ સાવધાન રહેજો. રામ,કૃષ્ણ,શિવ એમના માટે જાણે કંઈ નથી.
સત્યને આપ ખેંચીને ગમે એટલું નિર્વસ્ત્ર કરી શકશો, નગ્ન નહીં કરી શકો.સનાતન ધર્મને પણ નિર્વસ્ત્ર કરવાની કોશિશ અને પાખંડ ભરપૂર માત્રામાં ચાલી રહી છે.પણ કોઈ માઈનો લાલ નગ્ન નહીં કરી શકે કારણ કે હજાર હાથવાળો કૃષ્ણ બેઠેલો છે.
કથા-વિશેષ:
વિશ્વ કાવ્ય દિવસ(૨૧ માર્ચ)પર વ્યાસપીઠને મળેલું તાજું કાવ્ય
સકલ અસ્તિત્વનું સોને મઢેલું નામ છે સાધુ,
પરમનો પ્રેમથી ભીનો પુનિત પયગામ છે સાધુ,
ઘડીભરમાં જ ઓગળશે બધોય થાક અંદરનો;
ભટકતાં જીવનો એ ભીતરી વિશ્રામ છે સાધુ.
ઊતરો,દર્શન કરો,મજ્જન કરી લો પાન પણ થોડું,
સહજ આવી મળેલું એક તીરથધામ છે સાધુ.
અડે જ્યાં હોઠને બત્રીસ કોઠે થાય છે દીવા,
નજર સામે જ અમરતનો છલકતો જામ છે સાધુ.
જરા એ યાદ આવે ને કરે છે સાદ સામેથી,
સતત સાથે જ રહે એ વતનનું ગામ છે સાધુ.
નથી કૈં કેદ થાતાં કોઇ કામનાના કિલ્લામાં,
રહે છે જળકમળવત ને નર્યા નિષ્કામ છે સાધુ.
ધરે છે નામ નોખાં ને ફરે છે જૂજવાં રૂપે,
તમારા શ્યામ છે સાધુ,તો અમારા રામ છે સાધુ.