છપ્પન ભોગ જરૂર આરોગો પણ ભિક્ષા ભાવથી આરોગો. બાપુનો સવિનય વિનય:

0
36

ગુરૂપૂર્ણિમા પર તલગાજરડામાં કોઇ કાર્યક્રમ નથી,કૃપા કરી ઉત્સવ સમજીને ત્યાં આવશો.

પાત્રમાં જે પણ આવ્યું છે બ્રહ્મ છે,ભિક્ષા ભાવથી જે ખાશે ઉપવાસી છે.

બીજ મંત્રની ભૂમિકા શ્રદ્ધા છે.

મૌન સગર્ભ થાય છે ત્યારે મંત્રરૂપી સંતાનનો જન્મ થાય છે.

મીડનાઇટ સન,આહ્લાદક વાતાવરણમાં ટ્રોમ્સો(નોર્વે) ખાતે ચાલી રહેલી રામકથા આજે સાતમા દિવસમાં પ્રવેશી.આજે શિવ ચરિત્ર તથા રામ જન્મોત્સવની પણ પૂર્વ તૈયારી સાથે કથાનો આરંભ કરતા બાપુએ કહ્યું કે રામકૃષ્ણદેવ એક જ આશીર્વાદ દેતા ચૈતન્ય બનો.બાબા ફરીદ પાસે કોઈ જાય તો આશીર્વાદ દેતા કે:આપકો કિસીસે ઇશ્ક હો જાય.

કોઈએ પૂછેલું કે બાપુ તમે વિદેશની ધરતી ઉપર જાવ છો ત્યારે ભિક્ષા યાત્રામાં નીકળો છો કે નહીં?બાપુએ કહ્યું કે અહીં નથી જઈ શકતો,કારણ કે ભિક્ષા વખતે પાત્રમાં જે આવે એ લેવું પડે અને દેશ-કાળ પ્રમાણે અહીંનો આહાર કંઈક જુદો હોય.પણ ગ્યા મંગળવારે એક યુવક રેંકડી લઈને કંઈક અહીં વેચે છે અને અંગ્રેજી થોડુંક જાણે છે એણે કહ્યું કે આપની કથાથી ત્રણ ચાર મિનિટના અંતરે હું રેકડી રાખું છું બાપુ તમે અહીં આવ્યા છો તો જશો નહીં અને જાવ તો પણ વારંવાર આવજો.પણ મારે ત્યાં ભિક્ષાનું નિમંત્રણ છે,કદાચ ત્યાં જઈશ ને રેંકડી ભીક્ષા મેળવીશ!ઘણી ભીક્ષા રોકડી હોય છે એવું બાપુએ જણાવ્યું.

સાથે સાથે બાપુએ એ પણ કહ્યું કે છપ્પન ભોગ જરૂર આરોગો પણ ભિક્ષા ભાવથી આરોગો.મારા પાત્રમાં જે પણ આવ્યું છે બ્રહ્મ છે, ભિક્ષા ભાવથી જે ખાશે એ ઉપવાસી છે.

આજનો મંત્ર એ બીજમંત્ર છે અને આ સબીજ મંત્ર છઠ્ઠો મંત્ર છે.એ પછી શંભુમંત્ર અને રામમંત્ર એમ કરી અને મંત્રનું અષ્ટક આપણે આવનારા દિવસોમાં પૂરું કરીશું.

બાપુએ કહ્યું કે પ્રત્યેક મંત્ર માટે-સાધુઓ,ગુરુજી અને અનુભવથી જે કંઈ જાણ્યું છે-એમાં કોઈક મંત્ર માટે વિશ્વાસની ભૂમિકા,કોઈક મંત્ર માટે ભરોસો જોઈએ આ બધા પર્યાયવાચી શબ્દો લાગે છે પણ અલગ છે એમ કોઈ મંત્ર શ્રદ્ધાથી જપવો જોઈએ. તો આ બીજ મંત્રની ભૂમિકા શ્રદ્ધા છે. અને ભૂમિ ન હોય તો બીજ શું કામનું?બીજમંત્રની ભૂમિકા શ્રદ્ધા છે. ગીતાકાર કહે છે શ્રદ્ધા ત્રણ પ્રકારની છે: રાજસિ, તામસી અને સાત્વિક શ્રદ્ધા.બીજ મંત્ર માટે શ્રદ્ધાની સાથે ભૂમિ ફળદાયી હોય,બીજ પણ સારું હોય પણ જો ભૂમિ ભીની ન હોય તો? બીજનું અંકુરણ ન થાય શ્રદ્ધા ભીની હોવી જોઈએ. ઋગ્વેદમાં શ્રદ્ધા સૂક્ત છે અને એ આવી જ મંત્રની ભૂમિકા માટે આવશ્યક લાગે છે.

બાપુએ એ સૂક્ત જે સંસ્કૃતમાં છે એનું ગાન પણ કરાવ્યું અને સાથે-સાથે એને સમજાવ્યું પણ ખરા એ સૂક્તનો અર્થ એવો છે કે: હું શ્રદ્ધા સાથે અગ્નિની પાસે જઈ રહ્યો છું. રામમંત્ર એ બીજક અગ્નિ છે. ન્યુટનને પૂછ્યું કે તમારી પાસે વિચાર કઈ રીતે આવે છે? ન્યુટને કહ્યું કે હું મૌન રહું છું ત્યારે.

બાપુએ કહ્યું મૌન સગર્ભ થાય છે ત્યારે મંત્રરૂપી સંતાનનો જન્મ થાય છે.અને ચૂપ રહેવાની વાત નથી પણ મૌનની વાત છે. ચૂપ તો ગુસ્સે થયા પછી પણ માણસો રહેતા હોય છે. બાપુએ કહ્યું કે મૌનનું મહત્વ કહેવાનો હું અધિકારી છું કારણકે મૌન જ મારો સ્વભાવ છે.અને હવે તો સંન્યાસીઓની જેમ ચાતુર્માસ મૌન પણ કરું છું. જે ગુરુપૂર્ણિમાથી શરૂ થાય છે.બાપુએ કહ્યું કે જ્યારે મૌન રાખીએ છીએ ત્યારે શરૂ શરૂમાં બહારના અવાજો સંભળાય છે, થોડુંક મૌન પાકે છે ત્યારે અંદરના અવાજો વધારે મહેસુસ થાય છે અને જ્યારે મૌન એક ઊંચાઈની સ્થિતિ ઉપર પહોંચે ત્યારે બંને અવાજ બંધ થઈ જાય,સન્નાટો બની જાય,સહી ન શકાય એવો સન્નાટો એ વખતે બુદ્ધપુરુષની જરૂર પડે છે. નહિતર માણસ પાગલ બની જાય છે.

બાપુએ આજે જણાવ્યું કે ફરી એક વખત વિનય કરું છું કે ગુરુપૂર્ણિમા ઉપર તલગાજરડામાં કોઈ ઉત્સવ નથી.આવવિનય કરતી વખતે બાપુએ કહ્યું કે વર્ષો પહેલાં ગુરુપૂર્ણિમા મનાવતા હતા. લોકો ખૂબ આવતા હતા પણ એવું સમજી ગયા કે મોરારીબાપુ ગુરુ છે,અને એથી મેં બંધ કર્યું કારણકે હું કોઈનો ગુરુ નથી.હું માત્ર મારા ત્રિભુવન દાદાની પાદુકા પૂજન કરું છું અને રૂટિન દિવસ હોય છે. સવારે બધા મળીએ છીએ.બાપુએ કહ્યું કે હું કોઈ ઓળખાણ રાખવા માંગતો નથી,મટી જવા માગું છું,મને ભૂલી જજો કારણ કે હું તમારા જેવો સામાન્ય માણસ છું સાથે એ પણ કહ્યું કે થોડા સમય પહેલા એક કથા વખતે પરાણે મને ૧.૪૬ કરોડની કાર આપી અનેક વખત ના કહેવા છતાં પણ આપી અને એ કાર જ્યાં સુધી રહી,મારા મનમાં પીડા હતી અંતે એક ગ્રાહક શોધી અને ૧.૨૬ કરોડમાં આપી દીધી અને એમાંથી એક કરોડનું દાન લોકભારતીમાં આપ્યું.મારા માટે આ ગુરુપૂર્ણિમા છે.

બાપુએ સાધુના ગુણ,શીલ,શાલીનતા,સરળતા,સ્નેહ, કૃપાવંતતા-એ પાંચ ગુણ બતાવ્યા અને ભરતજી જે બીજમંત્રની વાત કરે છે એ વાત પણ કરી.

બાપુએ કહ્યું કે શ્રદ્ધા યજ્ઞમાં આહુતિ આપીએ છીએ શ્રદ્ધાથી અગ્નિમાં પ્રસાદ પ્રાપ્ત કરીએ છીએ આ વેદ મંત્ર છે. અમે પ્રાતઃકાળમાં શ્રદ્ધાની પાસે જઈએ છીએ,મધ્યાનમાં પણ શ્રદ્ધાની પાસે અને સાંજે પણ શ્રદ્ધા પાસે જઈએ છીએ.

બાપુ એ પણ જણાવ્યું કે બીજ ત્રણ પ્રકારના હોય છે: એક સ્ત્રી પુરુષના રૂપમાં,બીજું પૃથ્વી એટલે કે ભૂમિના રૂપમાં અને ત્રીજું બુદ્ધપુરુષ પોતાના આશ્રિતને કોઈ એવો મંત્ર આપે કે એ તરત હોશમાં આવી જાય.આ મંત્ર સમજવો સરળ છે પણ સમજાવવો ખૂબ કઠિન છ.

એ પછી કથા પ્રવાહમાં શિવચરિત્રનું સંક્ષિપ્ત રીતે ગાયન કરીને રામ જન્મનાં પાંચ કારણો શબ્દ,સ્પર્શ,રસ,રૂપ અને ગંધ સાથે પણ જોડી શકાય  એ વિસ્તારથી સમજાવ્યું.બાદ નોર્વેની વ્યાસપીઠ પરથી રામ જન્મની સમગ્ર ત્રિભુવનને વધાઇ સાથે સાદાઇથી વધાઇ આપી આજની કથાને વિરામ આપ્યો.

ડિપ્રેશનમાં અવળું પગલું ભરી લે એ પહેલા એ યુવતીનાં નવજીવનનો રાહ,સુર-સંગીત અને નૃત્યથી બાપુએ કંડારી આપ્યો.

યુવાપેઢી કેમ બાપુને પ્રેમ કરે છે?

બધાને ખબર છે કે,મોરારીબાપુ જ્યાં પણ કથા માટે જાય ત્યારે સાહજિક રીતે કથા પછી સાંજના સમયે દોઢ-બે કલાક સુધી બધાની વચ્ચે બેસતા હોય છે.સૌને પ્રોત્સાહિત કરતા હોય છે.બાપુના ઉતારા પર કે ક્યાંક નજીકમાં જ બાપુ સમય હોય તો બધા સાથે મુલાકાત આપતા હોય છે.ભિક્ષા લેવા કે વિચરણમાં કે અન્ય કામ ન હોય તો બાપુ લગભગ ગોષ્ઠીઓ યોજતા હોય છે.જ્યાં સહજ રીતે સુર, સંગીત,તાલ,નૃત્ય,કોઈની કવિતા,પ્રવચન વગેરે બાપુ ભીની આંખે માણતા હોય છે અને પ્રોત્સાહક સાધુવાદ આપતા હોય છે.

નોર્વે ની કથામાં ગત સાંજે કંઈક એવું બન્યું કે બાપુની પુષ્પવાટિકાનાં ફૂલો-બાપુપ્રેમીઓ સાથે બધા જ બેઠા હતા અને બાપુએ કહ્યું કે એ પરિવારનાં બધાની પરમિશન લઈ અને એક વાત સાર્વજનિક કરવી છે. એક નાનકડી યુવતી-શિવાની કે જેની માતા બાપુની ખુબ જૂની શ્રોતા છે એ શિવાની કોઈ કારણોસર ડિપ્રેશનમાં આવી ગઈ.બાપુએ કહ્યું કે તેની માતા મીનલ મળવા આવી અને અતિશય ધ્રુસકેને ધ્રુસકે  રડી રહી હતી કારણ કે શિવાની શાળામાં જવાથી પણ ડરતી હતી.તેના મિત્રો એની મજાક કરતા હતા અને ડિપ્રેશનમાં આજે બે-ત્રણ જણા હતા ત્યારે એવું બોલી ગઈ કે હવે મારે મરી જવું છે.

બાપુએ કહ્યું પૂછ્યું કે મરવા કેમ માંગે છે? અને પછી બાપુએ જણાવ્યું કે હું તને આ રામનામી આપું તો તું એને ફેંકી દઈશ?કહે ના,નહીં ફેકુ.કોઈ તારી પાસેથી લઈ લે તો લેવા દઈશ?કહે ના નહિ આપું.બાપુએ પૂછ્યુ કહ્યું કે કેમ?તો કહ્યું કે મારા બાપુએ આપેલી છે. બાપુએ કહ્યું એક બાપુએ આપેલી રામનામી તું ફેંકતી નથી તો પરમાત્માએ આપેલી આવડી મોટી જિંદગી શા માટે ફેંકે છે?હવે પછી મરવાની કોઈ વાત નહીં,વિચાર પણ નહિ.શાળામાં જવાની બીક લાગે તો ઓનલાઇન અભ્યાસ કરજે,પણ બીજી વખત જ્યારે મળીએ ત્યારે ખૂબ જ નવી જિંદગીથી હસતી નાચતી હોવી જોઇએ.અને બાપુએ તેને રામનામી આપી અને કહ્યું કે અમારા બધાના આશીર્વાદ અને હનુમાનજી તને બળ આપે અને ખૂબ ખુશ રહો.આજે બધાની સામે તમારું નૃત્ય પણ કરજે.

કથા સિવાય હજારો લાખો શ્રોતાઓ સાથે ખાસ કરીને બાપુને યુવા પેઢીમાં એક આશાનું કિરણ દેખાય છે,એ જ યુવા પેઢીને પણ બાપુ સૌથી નજીક લાગે છે અને ડિપ્રેશન જ નહીં તમામ પ્રકારના ભય બાપુ સહજ રીતે હરી લેતા હોય છે,દરેકને લાગે છે કે બાપુ મારા છે.બાપુની કરુણા અને અમી ભરેલી સજળ આંખોમાં દરેકને કેટલો બધો ભરોસો છે એનું ઉદાહરણ સૌ કોઈએ ગઈ સાંજે નિહાળ્યું.બાપુને પણ યુવા પેઢી તરફ વિશેષ કરુણા ભાવ અને નવી આશાનું કીરણ દેખાય છે.સંગીતની દુનિયાનાં નીલેશભાઇએ એ દુર્લભ ક્ષણોને બરાબર ઝીલી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here