સંત-પીરોની ધીંગી ધરા કોટેશ્વર-કચ્છથી ૯૫૨મી રામકથાનો આરંભ

0
9

જે સર્વ સમર્થ છે એ ઈશ્વર છે.

કચ્છની ભૂમિને સંતો પર અને રામકથા પર અપાર પ્રેમ છે.

કથા તો રામકથા જ!લીલા કૃષ્ણની અને ચરિત્ર શિવનું વિશેષ છે

કથા બીજ પંક્તિઓ:

જો સબકે રહ ધ્યાન એકરસ;

ઇશ્વર જીવ ઊેદ કહઉં કસ

ઇશ્વર અંસ જીવ અવિનાસી;

ચેતન અમલ સહજ સુખરાસી

કથાના આરંભે નારાયણ સરોવર જાગીર, જાનકીદાસ બાપુ-કમીજલા,દિનેશગીરી બાપુ કોટેશ્વર,દિલીપ રાજા કાપડી-મોરજર,ત્રીકમરાયજી બાપુ અંજાર,મહાદેવ બાપુ મોડપર,કલ્યાણદાસજી હિંગરાજ,શિવરામ સાહેબ-કબીર મંદિર મોરબી, જગદીશ બાપુ,મુળદાસ બાપુ-રામમઢી અને રામાનંદી સાધુ સમાજ આ બધા દ્વારા દીપ પ્રાગટ્ય થયું. બીએસએફના જવાનો પણ હાજર રહ્યા. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અનિરુદ્ધ દવે તેમજ ઝુલેલાલ મંદિર ટ્રસ્ટના દીપકભાઈ ભાનુશાળી બાબુભાઈ મેઘજી શાહની વિશેષ ઉપસ્થિત રહી.

કથા ક્રમની ૯૫૨મી અને કચ્છ પર સવિશેષ કૃપારૂપ ૩૫મી રામકથાનો આરંભ કરતા મોરારિબાપુએ મનોરથી પ્રવિણભાઇ તન્ના પરિવાર તરફ સાધુભાવ રાખતા જણાવ્યું કે ત્રિકમરાયજીની ધજાની છાંયા, ભગવાન કોટેશ્વર,રામાનંદી સાધુ સમાજ,ઝુલેલાલ ભગવાન-આ તમામ દેવ મંદિરોની છાયામાં કથાની વિશેષ પ્રસન્નતા છે.

કચ્છની ભૂમિને સંતો પર અને રામકથા પર અપાર પ્રેમ છે એનો હું વર્ષોથી સાક્ષી છું.કોટેશ્વર શબ્દ સ્વતંત્ર રીતે માનસમાં નથી.ઈશ્વર શબ્દ પસંદ કર્યો છે એક વખત માનસ ઈશ્વર પર ધૃષ્ણેશ્વરમાં કથા થયેલી.ઈશ્વર તત્વ,પરમાત્મ તત્વ,બ્રહ્મ તત્વ,પરમ તત્વ શું છે?આમ તો બધું એક જ છે,પણ જુદા-જુદા શબ્દોથી પરમને પુકારીએ છીએ.ઈશ્વર શબ્દ આવે ત્યારે મોટા ભાગે ભગવાન શિવ તરફ સંકેત છે. રામ,કૃષ્ણ,જગદંબા પણ ઈશ્વરીય શક્તિ છે.ઈશ્વર શબ્દ ભગવાન શિવજી તરફ વધારે સંકેત કરે છે.શંકરનું ચરિત્ર એની વિશેષતા વગેરેને કેન્દ્રમાં રાખી અને સંવાદ કરીશું.

આપણે ત્યાં કથા,લીલા અને ચરિત્ર-ત્રણ શબ્દ છે. કથા તો રામકથા જ!લીલા કૃષ્ણની અને ચરિત્ર શિવનું વિશેષ છે.એટલે રામકથાના આરંભે શિવ ચરિત્ર ગવાયું છે.એના થોડાક અંશો અને રહસ્યો પર સંવાદ કરીશું.ઈશ્વર જે બધું જ કરી શકે.જે નથી થયું એને પણ વિલય કરવામાં સમર્થ છે.જે સર્વ સમર્થ છે એ ઈશ્વર છે.ઈશ્વર સોયના નાકામાં ઊંટ પરોવે એવી નારદ સાથે સંકળાયેલી કથા છે.સામર્થ્યવાન છે એ ઈશ્વરત્વ છે.અને બીજો સમર્થ શબ્દ સદગુરુ સાથે જોડાયેલો છે. નિર્વાણ પામે એ તો ગયો પણ પરમ નિર્વાણ પામે તો ધારે ત્યારે પાછો આવી શકે. સમાધિઓમાં એક ચેતન સમાધિ પણ છે.કચ્છમાં પણ કેટલી બધી ચેતન સમાધિઓ છે એટલે કચ્છ વધારે કથા લઈ ગયું એ એનો મહિમા અને અસ્મિતા છે.

આ ૩૫મી કથા છે અને ૩૬મી કથા માધાપરમાં થાય એવો મનોરથ છે. પરમાત્માનાં નામ દ્વારા પણ સમાધિ સર્જાય છે.ઈશ્વર શબ્દ માનસમાં આઠ વખત આવ્યો છે.શિવ અષ્ટમૂર્તિ છે શિવજીના અષ્ટકો ગવાય છે જેમાં રુદ્રાષ્ટક શ્રેષ્ઠ છે.

કથા માહાત્મ્યય,વંદનાઓ,પંચદેવોની વંદના,ગુરુવંદના અને હનુમંત વંદનાનો પવિત્ર,પ્રવાહી ક્રમ કહીને આજે વિરામ અપાયો.

કથા-વિશેષ:

પીરારી-ધોરારી કચ્છની વાગડ ધરા પર પૂજ્ય મોરારિબાપુની ૩૫મી રામકથા

કચ્છના નારાયણ સરોવર ખાતેની બાપુના શ્રીમુખથી કચ્છમાં ગવાનારી આ ૩૫મી રામકથા છે.

શ્રી પ્રવીણભાઈ તન્ના આ કથાના મનોરથી છે.

કચ્છનું નારાયણ સરોવર સનાતન ધર્મ સંસ્કૃતિના પાંચ પવિત્ર સરોવર પૈકીનું એક છે.માન સરોવર,પંપા સરોવર,બિંદુ સરોવર,પુષ્કર સરોવર અને નારાયણ સરોવર-આ પાંચ પુરાણ પ્રસિદ્ધ જલતીર્થ છે.

નારાયણ સરોવરનો અર્થ થાય છે-ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર.પૌરાણિક કથાઓ અનુસાર સરસ્વતી નદી,નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી.આથી આ સ્થળ સનાતન ધર્મનું પવિત્ર તીર્થ છે.

અહીંથી થોડા જ અંતર પર સનાતન ધર્મનું અન્ય એક પ્રાચિન તીર્થ -કોટેશ્વર છે.ભારતની સીમા પરનું અંતિમ સ્થાન કોટેશ્વર છે,જે સમુદ્રના કિનારા પર છે. રાવણને તેની સખત તપસ્યાના ફળરૂપે શિવે વરદાન આપ્યું હતું.મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું,પરંતુ દેવતાઓએ કપટ કર્યું.બ્રહ્માજીએ કીચડમાં ફસાએલી ગાયનું રુપ લીધું,બીજું રુપ ગાયને બચાવનાર બ્રાહ્મણનું લીધું.ગાયને બચાવવા માટે બ્રાહ્મણે વિનંતી કરી એટલે રાવણે શિવલીંગ નીચે મૂક્યું એ સાથે જ મૂળ શિવલીંગ કોટી શિવલીંગોમાં પરિવર્તિત થઇ ગયું.રાવણ એ પૈકી એક શિવલીંગ લઇ ગયો પણ મૂળ શિવલિંગ અહીં જ રહ્યું. ભગવાન મહાદેવનું આ દૈવી શિવલીંગ પછીથી કોટેશ્વર મહાદેવના નામથી પ્રસિદ્ધ થયું.

કચ્છના આ બે પુરાણ પ્રસિદ્ધ તીર્થ વચ્ચે આવેલા શ્રી ઝૂલેલાલજી મંદિરનાં વિશાળ પ્રાંગણમાં કથાગાન થઇ રહ્યું છે.

કચ્છ ખાતે બાપુએ સહુ પ્રથમ રામકથા ઓક્ટોબર – ૧૯૭૩માં અંજારમાં કરેલી.જે  કુલ કથાક્રમની ૬૬ મી કથા હતી.

અને કચ્છની ધરતી પરની ૩૪મી કથા માર્ચ-૨૦૨૪ માં રવેચી ધામમાં “માનસ મનોરથ” નામાભિધાન સાથે થઇ હતી.

નારાયણ સરોવર ખાતે આ અગાઉ ૧૧/૦૩/૧૯૮૯થી  ૧૯/૦૩/૮૯ દરમિયાન બાપુએ  એક કથા કરેલી છે,જે કુલ કથાક્રમની ૩૯૧મી રામકથા હતી.કથાનું શિર્ષક હતું -માનસ કથા.

એ જ રીતે અહીં કોટેશ્વર ખાતે પણ અગાઉ એક રામકથાનું ગાન થયેલું છે,જે તા. ૨૬/૦૨/૨૦૦૫થી  ૦૬/૦૩/૨૦૦૫ દરમિયાન થયું હતું.કુલ કથાક્રમની એ ૬૩૫ મી રામકથા હતી,જેનું શિર્ષક હતું -માનસ સેતુબંધ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here