રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સ્વ. ધરમશીભાઈ મોરડીયાના જીવનચરિત્ર ‘માટી અને માણસાઈ’નું વિમોચન કરાયું

0
6

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

  • સ્વ. ધરમશીભાઈનું વ્યક્તિત્વ પ્રેરણાદાયી હતું. તેઓ સંત જેવું જીવન જીવતા હતા
  • સ્વ. ધરમશીભાઈ ગીતા-ઉપનિષદોમાં વર્ણવેલ  ત્યાગ અને તપસ્યાપૂર્ણ જીવન જીવી ગયા છે
  • સ્વ. ધરમશીભાઈનું જીવન અને કાર્યો અનેક પેઢીઓને પ્રેરણા આપતાં રહેશે

૦૦૦ ૦૦૦

  • ધરમશીદાદા સફેદ વસ્ત્રમાં સાધુપુરુષ જેવું જીવન જીવતા હતા : પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા

૦૦૦ ૦૦૦

  • આ પુસ્તકના માધ્યમથી સ્વ. ધરમશીભાઈ મોરડીયાના જીવન અને કાર્યોની સુવાસ ગામેગામ પહોંચી શકશે : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા

૦૦૦ ૦૦૦

અમદાવાદ, ગુજરાત | ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ | રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સ્વ. ધરમશીભાઈ મોરડીયાના જીવનચરિત્ર આધારિત પુસ્તક  ‘માટી અને માણસાઈ’નું વિમોચન કરાયું હતું. અમદાવાદના હાથીજણ ખાતે આવેલા રાધે ઉપવનમાં યોજાયેલા પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા અને શ્રી દેવુસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સ્વ. ધરમશીભાઈને હું એક વખત મળેલો છું. તેમનું વ્યક્તિત્વ પ્રેરણાદાયી હતું. તેઓ સંત જેવું જીવન જીવતા હતા.

રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગીતા અને ઉપનિષદોમાં ત્યાગીને ભોગવવાની વાત કરવામાં આવી છે. સ્વ. ધરમશીભાઈ ત્યાગ અને તપસ્યાપૂર્ણ જીવન જીવી ગયા છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે તેમનાં સેવાકીય કાર્યો દર્શાવે છે કે તેઓ લોકોની ભલાઈ માટે જીવન જીવ્યા હતા.

રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આવા માનવતાવાદી અને મૂલ્યો સાથે જીવન જીવેલા મહાનુભાવોનું જીવનચરિત્ર ઉપલબ્ધ કરાવીને મોરડીયા પરિવારે આવનારી પેઢીઓ પર મોટો ઉપકાર કર્યો છે. સ્વ. ધરમશીભાઈનું જીવન અને કાર્યો અનેક પેઢીઓને પ્રેરણા આપતા રહેશે, એવું તેમણે ઉમેર્યું હતું.

રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે કેટલાક લોકો જીવનમાં ધન-સંપત્તિમાં લિપ્ત રહે છે, જ્યારે અલિપ્ત રહેનારા જળકમળવત્ રહીને પોતાની સંપત્તિને માનવતાવાદી સત્કાર્યોમાં વાપરે છે. માનવીનાં કર્મો જ તેની સાચી મૂડી છે. સદ્ભવિચાર અને સદ્ગુણ જ વ્યક્તિને અનેકોમાં એક બનાવે છે. જીવન વેંઢારવા અને જીવવામાં બહુ ફરક છે, એવું તેમણે ઉમેર્યું હતું.

પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે સ્વ. ધરમશીદાદા સફેદ વસ્ત્રમાં સાધુપુરુષ જેવું જીવન જીવતા હતા. તેમના પરનું આ પુસ્તક આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે અને તેમનાં કર્મોની સુવાસ લોકો સુધી પહોંચતી રહેશે.

શ્રી રૂપાલાએ નવી પેઢીને આ પુસ્તક વાંચીને પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે માહિતીનો ચારેકોર વિસ્ફોટ છે ત્યારે આવા સાધુપુરુષના જીવનચરિત્ર પ્રગટ થવા જોઈએ અને વંચાવા જોઈએ.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મારા જેવાએ તો સ્વ. ધરમશીભાઈને જીવંત જોયેલા છે, પરંતુ હવે આ પુસ્તકના માધ્યમથી ગામેગામ તેમના જીવન અને કાર્યોની સુવાસ પહોંચી શકશે.

મંત્રી શ્રી પ્રફુલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે માટી અને માણસાઈની સુગંધ અનંત કાળ સુધી ટકી રહેતી હોય છે. દાદાની સેવાકીય પ્રવૃતિઓથી બધા પરિચિત છે અને આ પુસ્તક થકી સમાજના તમામ વર્ગના લોકો સુધી તેમની સેવાભાવનાની સુવાસ ફેલાશે, એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

પુસ્તકના લેખક બીરેન કોઠારીએ પુસ્તકની રચના પાછળની પ્રક્રિયા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે સ્વ. ધરમશીભાઈના જીવનને સમજવા માટે માત્ર ઉપલબ્ધ દસ્તાવેજો અને માહિતીને આધારે લેખન કરવામાં આવ્યું નથી. તેમના જીવન સાથે સંકળાયેલાં વિવિધ સ્થળોની મુલાકાતો લેવામાં આવી હતી અને તેમને નજીકથી જાણતા આશરે 40થી 45 લોકો સાથે રૂબરૂ વાતચીત કરીને માહિતી એકત્રિત કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં પરિવારજનો ઉપરાંત તેમની સાથે કામ કરનારા સાથીદારો, પાડોશીઓ, સગાંસંબંધીઓ તથા તેમની સાથે વ્યવસાયિક સંબંધ ધરાવનારા લોકોની સ્મૃતિઓ અને અનુભવોને પણ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. આ સંવાદોનો હેતુ માત્ર જીવનની ઘટનાઓ નોંધવાનો નહીં, પરંતુ સ્વ. ધરમશીભાઈના સ્વભાવ, વ્યવહાર, સંબંધો અને જીવનમૂલ્યોને વિવિધ દૃષ્ટિકોણથી સમજવાનો હતો, એવું તેમણે ઉમેર્યું હતું.

સ્વ. ધરમશીભાઈના પૌત્ર શ્રી શરદ મોરડીયાએ સ્વાગત પ્રવચન કરતાં પોતાના દાદાનાં સ્મરણો વાગોળ્યા હતા. તેમણે વાંચનના શોખીન દાદાનો ભગવદ્ ગીતા પ્રત્યેનો પ્રેમ અને સતત વાંચનને યાદ કરીને તેમના સદ્ગુણોને સંભાર્યા હતા. સ્વ. ધરમશીભાઈના પુત્ર શ્રી હરીશભાઈ મોરડીયાએ આભારવિધિ કરી હતી.

કાર્યક્રમનો પ્રારંભ ચારુલ ભરવાડા અને વિનય મહાજન દ્વારા ખેતી અને માનવતા આધારિત ગીતની પ્રસ્તુતિથી થયો હતો.

આ પ્રસંગે સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, સાંસદ શ્રી દિનેશ મકવાણા, સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, સ્થાનિક ધારાસભ્ય શ્રી બાબુભાઈ જ. પટેલ સહિતના ધારાસભ્યશ્રીઓ, શ્રી ઓધવજીભાઈ મોણપરા, શ્રી રાકેશ દૂધાત સહિતના સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો, ખેડૂતો તથા પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પુસ્તક વિમોચન સમારંભ પછી ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા  ભજનસંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી સમગ્ર પ્રસંગને ભક્તિમય અને ભાવસભર સમાપન આપવાનો ઉદ્દેશ હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ. ધરમશીભાઈ મોરડીયાનું જીવનચરિત્ર ‘માટી અને માણસાઈ : ધરમશીભાઈ મોરડીયા – પ્રેરક જીવન અને કાર્યની ઝલક’ ચાર ખંડમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ ખંડ ‘જીવનકથા’, બીજો ખંડ ‘સેવાસરવાણી’, ત્રીજો ખંડ ‘અક્ષરદેહ’ અને ચોથો ખંડ ‘દિલની વાણી’ છે. આ ઉપરાંત ‘સુવાસ પ્રસરાવી ગયેલા ફૂલની ક્યારી’ નામનું પરિશિષ્ટ પણ પુસ્તકમાં સામેલ કરવામાં આવ્યું છે.

== સમાપ્ત ==

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here