માનસ વસુધૈવ કુટુમ્બકમ દિન-૯ તા-૪ ઓગસ્ટ
“સુચારુ રૂપમાં જેમ થવું જોઈએ,ભગવદકૃપાની જેવી યોજના હશે એ રીતે,આ થવાનું હતું ને થયું છે:”મોરારિબાપુ
“બીજ વાવી દીધાં છે હવે વાદળ જાણે ને વસુધા જાણે!”
ધર્મરૂપી વૃષભના ચાર ચરણ-સત્ય,શૌચ,દયા અને તપમાંથી એકાદ પણ તૂટશે તો ત્રણેયને સહન કરવું પડશે.
આજે વિશ્વને જેની જરુર છે એ રામ રાજ્ય કેવું હતું?
બીજ પંક્તિઓ:
અખિલ બિસ્વ યહ મોર ઉપાયા;
સબ પર મોહિ બરાબરિ દાયા.
ઉત્તરકાંડ દોહો-૮૭
સબ મમ પ્રિય સબ મમ ઉપજાએ;
સબતે અધિક મનુજ મોહિ ભાએ.
-ઉત્તરકાંડ દોહો-૮૬
યુનાઇટેડ નેશન્સનાં મુખ્યમથક-ન્યૂયોર્ક ખાતે ચાલી રહેલી રામકથાનો આજે નવમો-પૂર્ણાહૂતિ દિવસ,રામરાજ્યનાં આધારે ઉપસંહારક સંવાદ કરીને બાપુ કથાને વિરામ તરફ લઇ ગયા.
ગઇકાલે કહેલું કે:
આપણો દેશ ત્રિભુવનીય હોવો જોઇએ.
કોઇ મંદિરમાં ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠામાં નર નારાયણની પ્રતિષ્ઠા કરે છે.અહીં માનસમાં નારાયણ નરને પ્રતિષ્ઠિત કરે છે.
સબ તે અધિક મનુજ મોહિ ભાયે.
આજે મનુષ્ય ભુલાઇ રહ્યો છે ત્યારે આપણે સ્વથી શરૂ કરી પ્રમાણિક પુરૂષાર્થ કરીએ એ જ સાધન,એ જ ભજન છે,એ જ પાઠ છે.પૃથ્વિ પર સારા ઢંગથી પગલું મૂકીએ એ પરિક્રમ્મા જ છે.સારી રીતે વાત કરીએ એ સ્તોત્ર જ છે.બાપુએ ઉમેરેલું કે:
બીજ વાવી દીધાં છે હવે વાદળ જાણે ને વસુધા જાણે!
લાંબી કથા બાકી હતી એનું વિહંગાવલોકન કરતા અયોધ્યાકાંડનાં શ્લોકથી આરંભ કરી વચ્ચે સુદામા-કૃષ્ણ મિલનની ભાવુક કથાનું ગાન કરતા સંક્ષેપમાં દરેક મહત્વનો પ્રસંગ લઇને રાવણ નિર્વાણ બાદ રામ રાજ્યાભિષેક પ્રસંગ પર કથા અટકાવેલી.આજે રામરાજ્ય વિશે ઉપસંહારક વાત કરતા જે કેન્દ્ર બિંદુને સ્પર્શીને સંવાદ કરતા હતા આજે એ વિરામ ઉપર વહેલી સવારે ૬ વાગ્યે વાત માંડી.
બધાની અભિલાષા હતી કે આ ભવનમાં કથા થાય. મનોરથી પરિવારના આશિષે પરવાનગી લીધેલી પણ આખી ટીમ સાથે કાર્યરત રહી અને પરિણામ સ્વરૂપે આજે આપણે અહીં છીએ.
યુનોની સ્થાપનાને કદાચ ૭૯ વર્ષ થયા છે,પણ આટલી વહેલી સવારે કોઈ સભા એના ઇતિહાસમાં નહીં થઈ હોય! સુચારુ રૂપમાં જેમ થવું જોઈએ, ભગવદકૃપાની જેવી યોજના હશે એ રીતે આ સંવાદ થયો છે.
બાપુએ બધાનો ધન્યવાદ અને આભાર પ્રગટ કર્યો. કહ્યું કે:રામચરિત માનસમાં રામરાજ્ય કેવું હતું એનું એક વિશેષ પ્રકરણ છે,જેને આપણે ઊંડાણથી જોઈએ તો,આ રામરાજ્યની આજના વિશ્વને ખૂબ જરૂર છે.રામ રાજ્યમાં જે વર્ણન છે કોઈ ઇન્કાર ન કરી શકે કે એવું ન જોઈએ.યુનોના આ ભવનમાં આ રામરાજ્ય વિશે દર્શન કરીએ.
રામરાજ બૈઠે ત્રૈલોકા,
હરષિત ભયે ગયે સબ સોકા
ઉત્તરકાંડમાં ૨૦માંથી આગળની પંક્તિઓમાં રામરાજ્યનો આરંભ થાય છે.રામરાજ્ય માત્ર પૃથ્વી ઉપર નહીં,ત્રણેય લોકમાં હતું.આજે આપણે પૃથ્વીને પણ સંભાળી શકતા નથી ત્યારે સ્વર્ગ,પૃથ્વી અને પાતાળ ત્રણેય લોકમાં અદભુત ઘટના ઘટી હતી.અને આ વર્ણન નથી,વાસ્તવિકતા છે.માત્ર પૃથ્વી ઉપર પણ રામરાજ્ય આવી જાય તો પણ કેટલું સારું થાય એ વખતે બધાને હર્ષ થયો.એટલી પ્રસન્નતા થઈ કે ત્રણેય લોકમાં બધાનો શોક સમાપ્ત થઈ ગયો.કોઈ પીડા,ગ્લાનિ ન રહી.
બૈર ન કર કાહૂ ન કોઇ,
રામ પ્રતાપ વિષમતા ખોઇ
કોઈ એકબીજા સાથે વેર ન કરતું.આજે પ્રાસંગિક છે.બધી જગ્યાએ પ્રેમ,સેવા,સત્ય અને વિવેક હોય અને તમસતા ન હોય.અહીં જે એસેમ્બલી હોલ છે એમાં બધા રાષ્ટ્રોની મીટીંગ થતી હશે,પણ ક્યારેય નવ દિવસ સુધી મિટિંગ નહીં ચાલી હોય.અખિલ વિશ્વને લઈને ભારતની એક વ્યાસપીઠ નવ દિવસથી બોલી રહી છે.
કૃષ્ણની ભુજા આજાનબાહુ નહીં અનંતબાહુ છે.
બાપુએ કહ્યું કે આ તો થવાનું હતું,અને થયું છે!
અહીં બે શબ્દ છે:પ્રતાપ અને પ્રભાવ.પ્રતાપ આપણને તપાવશે,પ્રભાવ શીતળતા આપશે.આજે કેટલી વિષમતા છે.ઘણા મુલકોમાં સ્ત્રીઓને ખૂબ જ હેરાન પરેશાન કરાઈ રહી છે.આ સંસ્થા ખૂબ મહેનત કરી રહી છે.પણ જેટલું આવવું જોઈએ એટલું પરિણામ નથી આવી રહ્યું.કેટલાં ભેદ?રાજા અને પ્રજાનો ભેદ,ઉંચ-નીચનો ભેદ.
રામરાજ્યમાં જાતિભેદ અને વર્ણભેદ કંઈ ન હતું. વ્યવસ્થાનાં રૂપમાં આશ્રમો હતા અને ઉંમરને આધારિત આશ્રમ વ્યવસ્થા હતી.રામરાજ્યમાં ભય, શોક અને રોગ ન હતા.ત્રણ પ્રકારના તાપ-ભૌતિક, દૈહિક અને અધ્યાત્મિકમાંથી એક પણ પ્રકારનો તાપ ન હતો.
સબ નર કરહિ પરસ્પર પ્રીતિ;
ચલહી સ્વધર્મ નીરત શ્રુતિ નીતિ.
બધા પોતાના સ્વધર્મમાં ચાલતા હતા.ધર્મરૂપી વૃષભના ચાર ચરણ રામ રાજ્યમાં સુદ્રઢ હતા.એ ચાર ચરણ છે:સત્ય,શૌચ,દયા અને તપ.ધર્મના ચાર ચરણમાંથી એકાદ પણ તૂટશે તો ત્રણેયને સહન કરવું પડશે.અલ્પમૃત્યુ ન હતું,બાપની પહેલા દીકરો મરતો ન હતો.બધા સુંદર હતા,સુંદરતાનો નિષેધ ન હતો પણ રામરાજ્યનું એક અંગ હતું.બધે જ ‘સબ’ ‘સબ’ શબ્દો જ છે જે અખિલાઇનો નિર્દેશ છે,કોઇ એકનો વિચાર જ નથી.બધા નિરોગી,કોઇ દુ:ખી,ગરીબ કે દીન ન હતું.બધાજ સાક્ષર હતા.નિર્દંભ હતા. ગુણવાન,પંડિત,જ્ઞાની હતા.ક્યાંય કપટ ન હતું.કાળ,કર્મ,સ્વભાવ અને ગુણથી મળતા દુ:ખો ન હતા.સપ્તદ્વીપ સુધી સુશાસન હતું.એકનારી વ્રત બધામાં ને બધા ઉદાર હતા.ગુના જ ન હતા,દંડ માત્ર સંન્યાસીઓનાં હાથમાં હતો.વન સમૃધ્ધ હતા સિંહ અને હાથી સાથે જીવતા.
વિજ્ઞાન સૂત્રોની કથા મુંબઇ ભાભા એટોમિક સેન્ટરમાં કરીશ એમ કહી બાપુએ બધા ઘાટ પર ચાલતી કથાનાં વિરામ સાથે ભાવ વ્યક્ત કર્યો કે:ભગવાન કરે ને આ બિલ્ડીંગમાં સત્ય-પ્રેમ-કરુણા ક્યારેક લખાઇ જાય!ને ઉમેર્યું કે એટલું તો બોલીશ જ કે કેટલી બેઇમાની ચાલે છે!વાતો સારી કરવી છે ને શસ્ત્રો તો બધાએ વેંચવા જ છે!બધાને પ્રસન્નતા,સાધુવાદ આપી આ કથાનું સુફળ સંયુક્ત રાષ્ટ્રસંઘને અર્પણ કરીને કથાને વિરામ આપ્યો.
આગામી-૯૪૧મી રામકથા ૧૭ ઓગસ્ટથી ૨૫ ઓગસ્ટ દરમિયાન ઇન્ડોનેશિયાનાં યોગ્યકાર્તાની ભૂમિ પરથી વહેશે.
સમય તફાવતનાં કારણે આ કથાનું જીવંત પ્રસારણ પ્રથમ દિવસે શનિવારે બપોરે ૨:૩૦ વાગ્યે શરૂ થશે.બાકીનાં દિવસોમાં સવારે ૮:૩૦થી ૧૨:૦૦ વાગ્યા સુધી ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ તેમજ સંગીતની દુનિયા યુ-ટ્યુબ ચેનલ પરથી નિહાળી શકાશે.
આસ્થા ટીવી પર ડી-લાઇવ સમય પત્રક મુજબ નિયમિત સમયે પહેલા દિવસે બપોરે ૪ વાગ્યાથી અને બાકીનાં દિવસોમાં સવારે ૯:૩૦થી ૧:૦૦ દરમિયાન કથાનું પ્રસારણ નિહાળી શકાશે.
આ રામકથા પહેલા તુલસી જયંતિ જન્મોત્સવ ૭ ઓગસ્ટથી ૧૧ ઓગસ્ટ કૈલાસ ગુરુકૂલ-મહુવા ખાતે ઉજવાશે.
Box
કથાવિશેષ:
કેવું હતું રામ રાજ્ય?
રામરાજ્ય વખતે પાંચ સામ્રાજ્યોને રામે એક કર્યા.
આજે આખા જગતમાંથી યુનોના ૧૯૩ દેશ સભ્ય છે.બધાને એક કરવાની યુનો કોશિશ કરી રહ્યું છે.
રામરાજ્ય હશે ત્યારે કેટલા રાષ્ટ્ર હશે?રામના કાળમાં ત્રિલોકને તો છોડીએ,પણ પૃથ્વી ઉપર પાંચ સામ્રાજ્ય હતા.
૧-અવધ.૨-મિથિલા.૩-નાનકડું છતાં મજબૂત શૃંગબેરપુર.૪-કિષ્કિંધા.૫-લંકાનું સામ્રાજ્ય.
આ પાંચ રાજ્યની વાત છે.એટલે જ અવધરાજ, ગુહરાજ,વાલી-વાનરરાજ,જનકરાજ અને અસુર રાજ અહીં દેખાય છે.
ભગવાન રામે આ પાંચેયને સંયુક્ત કરી દીધું.આ સંસ્થા પણ આવા કામ માટે કાર્યરત છે.એકબીજા સાથે કોઈ વેર ન કરે તો જ બધા જોડાઈ શકે છે. અયોધ્યામાં સત્યનું રાજ હતું.મિથિલામાં જ્ઞાન અને વિવેકનું રાજ્ય હતું.ગુહરાજ અનુરાગનું રાજ્ય હતું. અને કિષ્કિધામાં રામની શક્તિ,શાંતિ અને ભક્તિની શોધ માટે સેવાકાર્યમાં જોડાયેલું સેવાનું રાજ્ય હતું. લંકામાં તમસતા-અહંકાર-મુઢતાનું રાજ હતું.
આ પાંચેય રાજ્યને એક કરવું ખૂબ મુશ્કેલ હતું. કારણ કે સેવા માટે જાગૃતિ જરૂર છે.લંકામાં તમસતા હતી,પ્રેમ કરે તો એ વેર ન કરી શકે.એક પરમ તત્વ અવતારિત થયું અને પાંચેયને જોડી દીધા!
બાપુએ કહ્યું કે વિદ્વાનોને નિમંત્રિત કરું કે આ પાંચેય રાજ્યો ઉપર સંશોધન કરે.