રાજપૂતોની આસ્થાના કેન્દ્રસમાન શ્રી ભવાનીધામનું નિર્માણ આગામી 2 વર્ષમાં થશે પૂર્ણ 8500 ટન આરસપહાણમાંથી બનનારા મંદિરમાં 1700થી વધુ ભક્તો એકસાથે બેસી શકશે
અમદાવાદ, 29 જૂન, 2024: સમસ્ત રાજપૂત સમાજના આરાધ્યદેવી શ્રી માભવાનીના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામની પાવનધરા ઉપર પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે મંદિર નિર્માણકાર્યની પ્રગતિ તથા મંદિર પરિસરની આસપાસ સામાજિક કલ્યાણ માટે અલગ-અલગ સુવિધાઓ વિકસાવવા અને આગામી યોજનાઓ વિશે ચર્ચા-વિચારણા કરવા માટે આજે રાજ્યભરના રાજપૂત સમાજના અગ્રણીઓએ એક સમીક્ષા બેઠક યોજી હતી.
આ સમીક્ષા બેઠકમાં પૂર્વ ગવર્નર અને ભવાનીધામ પ્રતિષ્ઠાન ટ્રસ્ટના ટ્ર્સ્ટી શ્રી વજુભાઈ વાળા, શ્રી કિશોરસિંહ ચૌહાણ (પ્રમુખ, ભવાનીધામ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ) , શ્રી કાનભા ગોહિલ (પ્રમુખ, સમસ્ત રાજપૂત સમાજ, ગુજરાત ), શ્રી જશાભાઇ બારડ (પૂર્વ મંત્રીશ્રી અને પ્રમુખ, અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજ ), શ્રી વિજયસિંહ બારડ( ટ્ર્સ્ટી, ભવાનીધામ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ), શ્રી નારણભાઈ સગર (પ્રમુખ, અખિલ ગુજરાત નાડોદા રાજપૂત સમાજ, શ્રી બાબુસિંહ જાદવ (ધારાસભ્યશ્રી), શ્રી કિરીટસિંહ ડાભી (ધારાસભ્યશ્રી) સહિત રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ તમામ આગેવાનોએ માં ભવાનીના ભવ્ય મંદિરના નિર્માણની સાથે-સાથે મંદિર પરિસરમાં લોકકલ્યાણ હેતુ શૈક્ષણિક ટ્રેનિંગ સેન્ટર, આરોગ્ય કેન્દ્ર, યાત્રી નિવાસ, યજ્ઞશાળા, ભોજનશાળા, સંસ્કારધામ, બગીચો, તળાવ સહિતની સુવિધાઓ વિકસાવવાનો સર્વસંમતિથી નિર્ણય કર્યો હતો. આ સુવિધાઓથી સુરેન્દ્ર્નગર ઉપરાંત રાજ્યભરના રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના લોકોને પણ સીધો લાભ થશે. અહીં સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત શૈક્ષણિક અને આરોગ્ય સુવિધાઓની ઉપલ્બધતા સુનિશ્ચિત કરાશે.
સમસ્ત રાજપૂત સમાજની આસ્થાના કેન્દ્રસમાન ભવાનીધામ મંદિર નિર્માણનું કાર્ય શરૂ કરવાનો વિચાર શ્રી વજુભાઈ વાળાએ પાંચ વર્ષ પહેલાં સમાજ સમક્ષ મૂક્યો હતો. સમસ્ત રાજપૂત સમાજને એક છત્રછાયા હેઠળ આવીને ધાર્મિક ભાવનાની સાથે રાષ્ટ્રિયતાના સંસ્કાર કેળવે તે માટે પહેલ કરી હતી. રાજપૂતોના સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે સૌ એકત્ર બની નિશ્ચય કરે તે માટે ભવાની ધામનું સ્થળ સુરેન્દ્રનગર પાસે આવેલ વસ્તડી મુકામે પસંદ કરવામાં આવ્યું . સમાજના વિવિધ અગ્રણીઓને શ્રી વજુભાઈએ જે અપીલ કરી હતી જેના ભાગરૂપે શ્રી વિજયસિંહ બારડે પોતાની સત્તર એકર જગ્યા મંદિર માટે દાનમાં આપેલ છે અને બાકીની વિવિધ જગ્યાઓ સમાજ દ્વારા ઉપયોગી પ્રવૃત્તિમાં મદદરૂપ થઈ શકાય તે માટે ભવાનીધામ પ્રતિષ્ઠાન દ્વારા ખરીદ કરવામાં આવેલ છે . જેમાં મંદિર ઉપરાંત અન્ય સુવિધાઓનું નિર્માણ થશે.
અંદાજે 120 કરોડના ખર્ચે બનનાર ભવાનીધામનું આશરે 8500 ટન મકરાણાના આરસપહાણથી નિર્માણ થઈ રહ્યું છે અને હાલમાં મંદિરનું અંદાજિત 35% જેવું કાર્ય પણ પૂર્ણ થયું છે. મંદિરની વિશેષતા જોઈએ તો ઉંચાઈ -133 ફૂટ, લંબાઈ- 257 ફૂટ અને પહોળાઈ 221 ફૂટ અંદાજિત રહેશે. સમગ્ર મંદિરમાં આશરે 124 સ્તંભ બનશે. 32 એકર જમીનમાં નિર્માણ પામી રહેલા માં ભવાનીના આ મંદિરમાં 1700 થી પણ વધુ દર્શનાર્થીઓ એક સાથે બેસી શકશે. મંદિર નિર્માણ માં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાંથી ભવાનીધામ અને તેને આનુષાંગિક લોકઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓને વેગ આપવા માટે માર્ગદર્શન સમિતિ અને વિવિધ વિભાગના લોકો જોડાઈ શકે તે માટે સમાજના દરેક ક્ષેત્રના તજજ્ઞોને સાથે રાખી કાર્ય કરવામાં આવશે. આ નિમિત્તે શ્રી ભવાની ધામ પ્રતિષ્ઠાન મુખ્ય માર્ગદર્શક અને કાર્યવાહક મંડળ- ગુજરાત રાજ્ય ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગુજરાતના 26થી વધુ જિલ્લાઓમાંથી 51 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સાથે જ તેમાં 25 આમંત્રિત સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રી ભવાની ધામ પ્રતિષ્ઠાન સલાહકાર અને આયોજન મંડળની રચના કરવામાં આવી હતી જેમાં ગુજરાતના 155થી વધુ તાલુકાઓમાંથી 151 સભ્યો તેમજ 51 આમંત્રિત સભ્યો ની કમિટીની રચના કરવામાં આવી છે. ભારત દેશના 16 થી વધુ રાજ્યો અને અન્ય 11 દેશોમાં વસતા રાજપૂતોનો પણ કમિટીમાં સમાવેશ કરવામાં આવશે.
આ પ્રસંગે દેશભરના રાજપૂતોની આસ્થાનું કેન્દ્ર બનનારા માં ભવાનીના આ ભવ્ય મંદિર ના પ્રચાર અને પ્રસાર માટે આકર્ષક લોગો પણ બનાવવામાં આવ્યો છે જેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે , રાજપૂત સમાજને એકતાંતણે બાંધવા માટે શ્રી વજુભાઈ વાળાએ શ્રી ભવાનીધામ નિમાર્ણ કરવાનું બીડુ પાંચ વર્ષ પહેલાં ઉઠાવ્યું હતુ. આ પ્રસંગે શ્રી વજુભાઈ વાળાએ મંદિર નિર્માણનું કાર્ય આગામી માટે 2 વર્ષની અંદર પૂર્ણ થાય તેવી મનોકામના વ્યક્ત કરી હતી. પત્રકારોને સંબોધિત તેમણે જણાવ્યું કે, “ સમસ્ત રાજપૂત સમાજ તેની શૌર્ય અને સંસ્કૃતિનો વારસો જાળવી રાખે તે માટે ભવાનીમાતાના સાનિધ્ય ખૂબ મહત્વનું રહેશે.” મા ભવાનીના શરણે સમગ્ર સમાજ એકત્ર થઈ સારા સંસ્કાર મેળવે અને કુરિવાજો અને વ્યસનોથી દૂર રહે થાય તે માટે પણ શ્રી વજુભાઈ વાળાએ અપીલ કરી હતી.
આ પ્રસંગે પત્રકારોને સંબોધિત કરતાં મંદિરના ટ્રસ્ટી કિશોરસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, “વસ્તડી ગામે માં ભવાનીના ભવ્ય મંદિરના માટે સમસ્ત રાજપૂત સમાજ અને આસપાસના સ્થાનિકો તરફથી ખૂબજ પ્રોત્સાહક સહયોગ મળ્યો છે. માતાજીના ભવ્ય મંદિર નિર્માણકાર્યની સાથે-સાથે અમે સ્થાનિકોના ઉત્કર્ષ માટે શૈક્ષણિક કેન્દ્ર અને આરોગ્ય કેન્દ્ર સહિતની સુવિધાઓ પણ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે, જે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત અન્ય વિસ્તારના રહેવાસીઓ માટે પણ આશિર્વાદરૂપ બની રહેશે. રાજપૂત સમાજના શ્રી વિજયસિંહ બારડ પરિવારે આ ઉમદા કાર્યો માટે આશરે 17 એકર જમીનનું દાન કર્યું છે, જે બદલ સમસ્ત રાજપૂત સમાજ તેમનો આભારી છે. “
આ સમગ્ર આયોજનની કાર્યવાહી કરવા માટે શ્રી નરેન્દ્રસિંહ જાદવ અમદાવાદ, ડો. અનિરુદ્ધસિંહ પઢિયાર, શ્રી મહેશભાઈ રાઠોડ, શ્રી પ્રવીણસિંહ ચૌહાણ, અજીતસિંહ મસાણી સુરેન્દ્રનગર અને ભવાનીધામના કન્વીનર અને કોઓર્ડીનેટર શ્રીતેજસભાઈ ભટ્ટી ,રાજકોટ સહિતના સૌ આગેવાનોએ જહેમત ઉઠાવી હતી