ગુજરાત, અમદાવાદ ૨૬ મે ૨૦૨૫: પ્રણામ, અભ્યાસ અને સ્વાધ્યાય માટે આયોજિત નવ દિવસીય રામ કથાના આજના બીજાં ચરણમાં પ્રવેશતા, પૂજ્ય બાપુએ કહ્યું કે નાલંદા વિદ્યાપીઠ માત્ર વિદ્યાપીઠ જ નહીં, પરંતુ વિરાસત પીઠ, પ્રજ્ઞા પીઠ, પ્રેરણા પીઠ, પ્રકાશ પીઠ અને પ્રેમ પીઠ પણ હતી! તેનો નાશ તુર્કીઆક્રમણકાર મોહમ્મદ ખિલજી દ્વારા કરવામાં આવ્યો હતો. નાલંદા વિદ્યાપીઠ તોડી પાડવામાં આવી કારણ કે તેઓ ભારતીય વિચારોની ઊંચાઈ જોઈ શકતા ન હતા કે સહન કરી શકતા ન હતા!
બાપુએ કહ્યું કે જ્યાં પણ આવી વૈશ્વિક યુનિવર્સિટી હોય છે, ત્યાં સામાન્ય રીતે પર્વતો, પાણી, વૃક્ષો, છોડ અને જંગલો હોય છે. વૈશ્વિક શાળાઓની ઇમારત પહાડ છે. વૃક્ષો અને છોડ તેના વર્ગખંડો છે. જળાશયો, ધોધ, નદીઓ, તળાવો, કુંભ – આ બધા આ પ્રયોગપીઠનાવર્ગખંડો છે! બાપુએ કહ્યું કે આપણે રામાયણ, મહાભારત અને આપણા અવતારોનાતાત્વિક અને સાત્ત્વિક પાસાઓની ચર્ચા કરતી વખતે વાસ્તવિકતા ભૂલી ન જઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ! કારણ કે આજકાલ આપણા પૈકીના જ ઘણા લોકો કહે છે કે રામ અને કૃષ્ણ કાલ્પનિક પાત્રો છે! મહાભારત થયું જ નહોતું! એટલે કે મહાભારત જ ન થયું હો તો ગીતા ક્યાંથી હોય? હકીકતમાં, અહીં ગીતાના અસ્તિત્વનો જ ઇનકાર થઈ રહ્યો છે! તેથી આપણાંશાસ્ત્રોની વ્યાખ્યા મૂળભૂત રીતે વાસ્તવિક હોવી જોઈએ.
બાપુએ કહ્યું કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પાસે જે કંઈ વિશેષતા છે, તે પરમ તત્વની શક્તિ છે, ભગવાન તરફથી મળેલી ભેટ છે. જો કોઈ વ્યક્તિને પોતાની વિશિષ્ટતાનું અભિમાન પ્રકટે, તો તે તેની વિશેષતા ગુમાવી બેસે છે. જ્યાં સુધી આપણે પાત્ર બની રહીએ છીએ, ત્યાં સુધી ભગવાન આપણને વક્તવ્ય શક્તિ, કવિતા શક્તિ, લેખન શક્તિ વગેરે આપે છે. પાત્રતા ગુમાવતાની સાથે જ તે શક્તિ જતી રહે છે. જ્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણને મળેલી શક્તિ કોઈના આશીર્વાદ છે, ત્યારે તે શક્તિ ખોવાઈ જાય છે.
બાપુએ વિચારણીય વિધાન કરતા કહ્યું આપણને કોણ જગાડે છે તે ખૂબ મહત્વનું છે. રાવણેકુંભકર્ણનેજગાડ્યો અને તરત જ તેને યુદ્ધમાં મોકલ્યો. જ્યારે શ્રી હનુમાનજીએવિભીષણનેજગાડ્યા અને વિશુદ્ધ બોધ સમા ભગવાન રામ પાસે મોકલ્યા.
બાપુએ કથાનાચિંતનમાં આગળ વધતા કહ્યું કે ભગવાન રામને ત્રણ અહંકારી લોકોનો સામનો કરવો પડ્યો. એક છે પરશુરામ. પરશુરામમાં સાત્વિક અહંકાર હતો, જેને રામેબાણથી નહીં, વાણીથી માર્યો છે. પરશુરામ સાથે રામે સંવાદ કર્યો છે.
રામને બીજો અહંકારી વ્યક્તિ વાલી મળ્યો. વાલીને રજોગુણી અહંકાર હતો. આવા અહંકારનો નાશ પ્રસાદિકપ્રહારથી થાય છે. બદલાનીભાવનાથી નહીં, પણ ભલું કરવાની ભાવનાથીભગવાને તેને બાણ માર્યું છે. ત્રીજો તમોગુણી અહંકાર કુંભકર્ણ છે. તેને સંવાદથી કે એક બાણથી મારી શકાતો નથી. તેને હણવા માટે ઘણી રીતે પ્રહાર કરવા પડે છે. અહંકારી વ્યક્તિને પોતાની પ્રશંસા અને પ્રતિષ્ઠા ખૂબ ગમતી હોય છે.
નાલંદા યુનિવર્સિટી વિશે વાત કરતા બાપુએ કહ્યું કે ત્યાંનું પુસ્તકાલય ત્રણ ઇમારતોમાં ફેલાયેલું હતું – રત્ન સાગર, રત્નોદધિ અને રત્નરંજન.
પુસ્તકાલય નવ માળનું હતું. બાપુએ કહ્યું કે મારી સમજ મુજબ તેનો ગ્રાઉન્ડ ફ્લોર “શ્રવણ” હોવો જોઈએ.
બાપુએ કહ્યું કે
“હું “ત્રિભુવનીયયુનિવર્સિટી”નો વિદ્યાર્થી છું અને નાલંદા વિશે આ મારૂં દર્શન છે. તલગાજરડામાં માટીના ઘરનો એક ખૂણો મારો વર્ગખંડ હતો.”
પુસ્તકાલયનો બીજો માળ કીર્તન અને સ્વાધ્યાયનો હશે. ત્રીજો માળ સ્મરણ- સ્મૃતિ – ચિંતનનો હશે. ચોથો પાદ સેવન. પદ સેવનનો અર્થ છે – ગુરુનાં મુખમાંથી નીકળેલાશબ્દોનું સેવન કરવું. પાંચમો માળ એટલે અર્ચન. છઠ્ઠો માળ છે – પવિત્ર ગ્રંથોને પ્રણામ કરવા – આદર આપવો . સાતમો મજલો દાસ્યભાવ – સેવાની ભાવના છે, આઠમો સખ્ય એટલે કે મૈત્રી છે અને નવમો માળ આત્મ નિવેદન એટલે કે ધન્યતાની અનુભૂતિ છે.
એક પ્રશ્નના જવાબમાં બાપુએ કહ્યું કે રામાયણ મારૂં “ઓપરેશન” નથી પણ મારું “ઓબઝર્વેશન” છે. હું માનસને ગુરુનીદ્રષ્ટિથી, માતાની નજરથીજોઉં છું.
બાપુએ કહ્યું કે સંત ગૃહસ્થ હોય કે તપસ્વી, બંનેમાં સાધુ શ્રેષ્ઠ છે. સાધુની પ્રિય વસ્તુ ભજન છે. ભજન સાધુનો આહાર છે.
કથાના ક્રમમાં, પૂજ્ય બાપુએ હનુમાનજીનીવંદના પછી, સીતારામનીવંદના કરી. બાપુએ નામ મહિમાનો મહિમા સમજાવ્યો. આ કળિયુગમાં, રામ નામ એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય છે. રામનું નામ, રામ કરતાં ય વધુ મહિમાવાન છે. બધી જ વિધામાં ફક્ત અને ફક્ત હરિ નામ જ શ્રેષ્ઠ છે. આજે પૂજ્ય બાપુએ નામના મહિમાના ગાન સાથે પોતાની વાણીને વિરામ આપ્યો.