*કોટેશ્વર પરમેશ્વર છે.*
*રામ સત્ય છે,એટલે સત્ય ઈશ્વર છે.*
*કૃષ્ણ પ્રેમ છે,પ્રેમ સર્વેશ્વર છે.*
*શિવ-શંકર કરુણા છે,કરુણા પરમેશ્વર છે.*
*પાંચેય પ્રકારના ક્લેશોથી મુક્ત હોય એ ઈશ્વર છે.*
*ગુરુમાં રાગ હોય તો દ્વૈષની સંભાવના છે,આથી ગુરુમાં અનુરાગ હોવો જોઈએ.*
*ગર્વ હંમેશાં પોતાને પ્રસ્તુત કરે છે,ગૌરવ બીજાનો સ્વિકાર કરે છે.*
*હનુમાનજી સ્વયં કોટેશ્વર છે.*
*વેદથી લોક સુધી જે મહિમાવંંત છે એ ઈશ્વર છે.*
ઝૂલેલાલ મંદિર-કોટેશ્વરનાં પટાંગણથી શરૂ થયેલી રામકથાનાં બીજા દિવસે કચ્છની ધરાનાં સૌ ઉપાસકોને પ્રણામ કરીને બાપુએ વાલ્મિકી રામાયણનાં એક શ્લોકને સમજાવ્યો.
ઇશ શબ્દનો અર્થ પણ ઈશ્વર થાય.ઉપનિષદમાં ઇશાવાસ્યમ શબ્દ આપેલો છે.ભગવાન પતંજલિ યોગસૂત્રમાં કહે છે:પાંચેય પ્રકારના ક્લેશોથી મુક્ત હોય એ ઈશ્વર છે.રાગ,દ્વેષ,અસ્મિતા,અભિનિવેષ અને અવિદ્યા-પાંચ કલેશ છે.રાગ અને દ્વૈષ સાપેક્ષ છે કોઈના તરફ રાગ થયો તો દ્વૈષ થવાનો પૂરો સંભવ છે.રાગ દિશા બદલે કે સ્થાન બદલે એટલે દ્વૈષ પ્રગટ થાય છે.આથી જ અધ્યાત્મ જગતમાં ગુરુ-શિષ્ય વચ્ચે દ્વેષ ન થાય એ માટેનો મંત્ર આપેલો છે.ગુરુમાં રાગ હોય તો દ્વૈષની સંભાવના છે,આથી ગુરુમાં અનુરાગ હોવો જોઈએ.ઘણા સારું લખીને સદગુરુ વિશે છપાવે છે,એ જ વ્યક્તિને ગુરુ તરફ દ્વૈષ પણ હોય છે!આથી ઉપનિષદનો મંત્ર સાવધાન કરે છે. રાગ-દ્વેષ સિક્કાની બે બાજુ છે.આપણને કોઈ ઈશ્વર કહે,ગીતા કહે હું ઈશ્વર,બલવાન,સુખી-એવા શબ્દો કહે છે,પણ એ આપણે નક્કી કરેલી વસ્તુ છે.
જેને કોઈના તરફ રાગ નથી.અવિદ્યાથી બંધન આવે છે.અસ્મિતા સારો શબ્દ છે પણ એનો એક અર્થ ગર્વ પણ થાય છે.ગર્વને પોલીશ કરીને ગૌરવ શબ્દ મુકાય છે.ગુરુનું,હરિના નામનું,શાસ્ત્રનું,સનાતન ધર્મનું ગૌરવ હોવું જોઈએ,ઠીક છે.ગર્વ બોલીએ છીએ.ગર્વ હંમેશાં પોતાને પ્રસ્તુત કરે છે,ગૌરવ બીજાનો સ્વિકાર કરે છે. ભારતનો છું,સનાતની છું એનું ગૌરવ હોવું જોઈએ. સીન(એસઆઇએન)નો અર્થ પાપ અને સન(એસયુએન)એટલે સૂર્ય.સીનની મધ્યમાં ‘આઈ’ છે,’હું’ કાર છે અને સનના મધ્યમાં ‘યુ’ છે એ ગૌરવ છે.જેના કેન્દ્રમાં ‘હું’ કાર એ પાપ અને જેના કેન્દ્રમાં ‘આપ’ એ ગૌરવ છે.અસ્મિતા પણ ક્લેશ છે. ગુરુકુળમાં અસ્મિતા પર્વ ઘણું ચાલ્યું,પણ અમુક વર્ષો પછી એમાંથી પણ મેં મુક્તિ લીધી.અવિદ્યા બંધનમાં નાખે જ.અભિનિવેષ એટલે બહુ જીવવાની ઈચ્છા.પણ ભજન માટે,સેવા માટે,સ્મરણ માટે જીવવું જોઈએ.આ પાંચ ક્લેશોથી મુક્ત એ ઇશ્વર છે.હનુમાનજીને પણ ઈશ્વર કહ્યા છે.શ્રીમદ ભાગવતમાં ૧૧ રૂદ્રો કહેલા છે.હનુમાન ચાલીસાનો પાઠ કરે એના પણ ક્લેશ જતા રહે છે.લંકામાં કોટ ઉપર હનુમાન ચડ્યા છે એટલે એ કોટેશ્વર છે. હનુમાનજી સ્વયં કોટેશ્વર છે.એક રુદ્ર રૈવત છે. રૈવત એટલે ખૂબ વેગવાન.એના ઉપરથી રેવાલ શબ્દ આવ્યો.જેનો મહિમા બહુ હોય એ ઈશ્વર છે.વેદથી લોક સુધી જે મહિમાવંંત છે એ ઈશ્વર છે.કોઈ પણ ગ્રંથમાં આદિ,મધ્ય અને અંતમાં એક જ તત્વ પ્રતિપાદિત થતું હોય એ ઈશ્વર છે.
રામચરિત માનસના આધારે રામ પરમ,ઈશ્વર, પરમાત્મા બધું જ છે.નિમ્બાર્કી પરંપરામાં કૃષ્ણ માટે સર્વેશ્વર શબ્દ છે.એક ત્રીજો શબ્દ પરમેશ્વર છે.રામ ઇશ્વર છે,કૃષ્ણ સર્વેશ્વર છે,મહાદેવ પરમેશ્વર છે. પણ કોઈ ગાંઠ મારીને બેઠું હોય એના માટે શું કરવું! જેનો બહુ આશ્રય કરીએ એને વશ થવું પડે,શરીરનો આશ્રય કર્યો તો શરીર ધર્મને વશ થવું પડે છે.
રામ સત્ય છે,એટલે સત્ય ઈશ્વર છે.
કૃષ્ણ પ્રેમ છે,પ્રેમ સર્વેશ્વર છે.શિવ-શંકર કરુણા છે કરુણા પરમેશ્વર છે.રામ ઇશ્વર,કૃષ્ણ સર્વેશ્વર,શિવ પરમેશ્વર.કોટેશ્વર પરમેશ્વર છે.શૂન્ય અને પૂર્ણ સાધુના બે ચરણ છે.એક ધ્યાન તરફ,એક સમાધિ તરફ લઈ જાય છે.
બાપુએ કહ્યું કે આટલી જગ્યાએ રુચિ કેન્દ્રિત થાય તો ધ્યાન માર્ગમાં પ્રવેશ થાય છે:આજ્ઞા રુચિ,સૂત્ર રુચી,ગ્રંથ રુચિ,નામ રૂચી,શ્રવણ રૂચી,રૂપ રૂચી,લીલા રૂચી,ધામ રુચિ.
જન્મભૂમિ ટ્રસ્ટ સાથે સંકળાયેલા દામજીભાઈ એન્કરવાળાને યાદ કરતા કહ્યું કે મેકરણ દાદા ધ્રંગની કૃપા વિશે એ કહેતા કે ધ્રંગ યાદ આવે અને ઘર ભુલાઈ જાય-આ ધામરુચિ છે.એવી જ વાદ્ય રુચિ. પણ નામ રુચિ આપણને નજીક પડે છે.નામ લઇએ ને બધા થાક ઉતરી જાય છે.નામ પરમ વિશ્રામ છે. રામચરિત માનસમાં પહેલીવાર ઈશ્વર શબ્દ પરમેશ્વર શિવ ધ્યાન માં બેસ્યા ત્યાંથી આવ્યો છે. કથાપ્રવાહમાં વંદના પ્રકરણમાં યુવાનોને કહ્યું કે દેહ સેવા,દેવસેવા,દીનસેવા,દિલસેવા, દેશ સેવા કરજો. સિતારામની વંદના બાદ રામનામ મહામંત્ર અને નામ મહિમા,નામવંદનાનાં પ્રકરણનું ગાન કરવામાં આવ્યું.
*કથા-વિશેષ:*
*વાલ્મિકી રામાયણનો શ્લોક સત્યને જ ઇશ્વર કહે છે:*
*સત્યમેવેશ્વરો લોકે સત્યં ધર્મ: સદાશ્રિત:*
*સત્યમુલાનિ સર્વાણિ સત્યાનાસ્તિ પરંપદં*
સત્ય ઈશ્વર છે.સત્ય જ ધર્મનો આશ્રય છે.સત્ય જેવો બીજો કોઈ આશ્રય નથી.સત્ય જ પુણ્ય છે. ધર્મ સત્ય પર ટક્યો છે.સત્ય બધાનું મૂળ છે.સત્ય સિવાય આ જગતમાં બીજું કોઈ પરમ તત્વ નથી.