સાધનો કરીશું ત્યારે જ ચિત્તની શુદ્ધિ થશે અને ચિત્તની સુધી થાય ત્યારે અંદર રહેલો ઈશ્વર ઓળખાશે

0
4

ચિત્તની શુધ્ધિ પાંચ રીતે થાય છે.

ચિત્તની ત્રણ દશા છે:ઘોર,ઘનઘોર અને અઘોર.

ચિત્ત સ્વયં એક ઈશ્વર છે.

સત્ત અને આનંદનું મધ્યબિંદુ ચિત્ત છે.

ધીંગી કચ્છ ધરાનાં કોટેશ્વર સ્થિત ઝૂલેલાલજી મંદિર ખાતે ચાલી રહેલી રામકથાનાં આઠમા દિવસે થોડાક પુછાયેલા પ્રશ્નોથી કથાનો આરંભ કરતા જણાવ્યું કે ચોપાઈમાં કોઈ જગ્યાએ વ્યાજ શબ્દ આવે છે. સાહિત્યમાં વ્યાજસ્તુતિ અલંકાર આવે છે.જે વ્યક્તિ છે એને પૂરેપૂરી વ્યક્ત ન કરી શકાય એનું વ્યાજમાત્ર દર્શાવી શકાય એને પણ વ્યાજસ્તુતિ કહેવાય.પરમાત્માએ જન્મ આપ્યો,એને શું ચૂકવી શકીએ?વ્યાજ જ ચૂકવી શકીએ.અતિશયોક્તિ માટે પણ વ્યાજસ્તુતિ અલંકાર વપરાય છે.

એક પ્રશ્ન હતો કે:ભાવો ઉલટા-સુલટા થઈ જાય છે, વિચાર ડામાડોળ કેમ થાય છે?જેના જવાબમાં કહ્યું કે ચિત્તની નિર્મળતા ન હોવાને કારણે.ચિત્તની શુધ્ધિ જો આપણે કરી લઈએ તો આ બધું જ બંધ થાય. આપણે ઈશ્વર પ્રાપ્તિ માટે જે કંઈ સાધન કરીએ એ સાધનથી ઈશ્વરની પ્રાપ્તિ થવાની નથી,તો સાધનો કરવા શું કામ!તો કથા શું કામ કરવી!પરંતુ આ સાધનો કરીશું ત્યારે જ ચિત્તની શુદ્ધિ થશે અને ચિત્તની સુધી થાય ત્યારે અંદર રહેલો ઈશ્વર ઓળખાય,બસ આ વાદળો હટાવવાના છે.

ચિત્ત શુદ્ધિ પાંચ રીતે થાય:એક-ઇષ્ટગ્રંથનું ગાયન કરવાથી.રામચરિત માનસ,ભગવત ગીતા,મહાભારત શિવપુરાણ જે પણ હોય.બે-પરમાત્માનાં નામમાંથી એકનું નામ પારાયણ કરવાથી.ત્રણ-ચિત્તને સમજાવી સમજાવીને સજ્જનોનાં સંગમાં લઈ જવાથી.ચાર- નિરંતર જેને માનતા હોઇએ એ પરમ તત્વનું ધ્યાન કરવાથી.પાંચ-ક્ષમતા હોય તો જરૂરતમંદોને એમાંથી આપવાથી.

જગતગુરુ શંકરાચાર્યએ આ પાંચ ઉપાયો કહેલા છે. ગુરુ અને શંકર બેઠા હોય તો બંને ઈશ્વર છે,પણ એક અવ્યક્ત છે એક દેખાય છે.ઈશ્વર અવ્યક્ત મૂર્તિ છે દેખાતો નથી,અહીં જ બેઠો છે આપણને દેખાતો નથી અને ગુરુ દેખાય છે.

ગીતાનું ગાન કરો,એનો પાઠ નહીં.કૃષ્ણએ શ્લોકો ગાયા હશે.ગીતાની વ્યાખ્યા રામકૃષ્ણ પરમહંસે સાવ સરળ કહી:ગીતાનું ઊલટું કરવાથી ત્યાગી-જે ધર્મગ્રંથ ત્યાગ કરતા શીખવે.

નિરંતર વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ ચિત્ત શુધ્ધિ કરે પણ એ કેમ કરવા?સરળ ઉપાય છે:રામનામ સહસ્ત્રનામ તુલ્ય છે.પૈસા આપીએ તો વિત્ત શુદ્ધિ અને ચિત્ત સુધી પણ થાય છે.

ચિત્તની ત્રણ દશા છે:એક ઘોર-ભયંકર દશા. વજ્રેશ્વરીનાં મુક્તાનંદ ગણેશ્વરી ‘ચિદવિલાસ’ ગ્રંથમાં કહે છે:જેના ચિત્તમાં અત્યંત રજોગુણ હોય એની દશા ઘોર હોય.મોરનું ચિત્ત રજોગુણી છે.

તન બિચિત્ર કાયર બચન અહિ આહાર ચિત્ત ઘોર એવું મોર માટે કહેવાયું છે.અત્યંત રજોગુણી ચિત્ત વાળાનું શરીર વિકૃત થવા માંડે.થવું ન જોઈએ એવા સમયે શરીર બેડોળ બને ત્યારે સમજવું ચિત્તની સ્થિતિ રજોગુણી હતી.

વચનમાં કાયરતા આવે.મોરનાં ટહુકા સારા લાગે પણ મેઘને જોઈને એ કાયર વચનો બોલે છે.રજોગુણી ચિત્ત વિવેક ચૂકે છે કે મારે શું ખવાય શું ન ખવાય. જેના ચિત્તમાં તમોગુણ છે એનું ચિત્ત ઘનઘોર છે.ઘન એટલે વાદળ અને ઘન એટલે ત્રણ વખત ગુણાકાર (ક્યુબ).એક શબ્દ અઘોર આવ્યો.એનો ખોટો અર્થ થયો છે.ખરેખર એમાં કોઈ જાતની ભિષણતા ભયંકરતા નથી એને અઘોર કહે છે.જેના ચિત્તમાં સત્વગુણની પ્રધાનતા હોય એ અઘોર ચિત્ત છે.આ ત્રણેયથી બહાર જાય એવું ચિત્ત ઈશ્વરનો અનુભવ કરાવી શકે.પણ ભજગોવિંદમ-ત્યાં બધું જ થશે. બાપુ કહે મને કવિતા સૂઝી:

શિયાળે સમાધિ ભલી,ઉનાળે આહલાદ;

વર્ષામાં અમને શ્રાવણ ભલો,કથા બારેમાસ.

જો ચિત્ત સમજાય તો ચિત્ત એ ઈશ્વરનું એક અંગ છે ચિત્ત સ્વયં એક ઈશ્વર છે.સત્-ચિત્ત-આનંદ એ ઈશ્વર છે.સત્ત અને આનંદનું મધ્યબિંદુ ચિત્ત છે. પતંજલિ પણ કહે છે યોગ એ છે જ્યાં ચિતવૃત્તિનો નિરોધ થાય.ઈશ્વર એ છે જેનું વચન મિથ્યા ન હોય. ઈશ્વર એ છે જેના વચન મુધા નહીં,પણ સુધા જેવા હોય.

બાલકાંડની સમાપ્તિ બાદ ભૂશુંડી એક દોહામાં અયોધ્યાકાંડનું ગાયન કરે છે.અયોધ્યા એવી ભૂમિ છે જ્યાં કોઈ યુદ્ધ નથી.વધ નથી એટલે અવધ છે. રામરાજ્યનાં સૂત્રો વેદોમાં મળે,અહીં પણ મળે છે. ઋગ્વેદમાં સાત વસ્તુ કહી.આપના ઘરમાં રામરાજ્ય ઇચ્છતા હો તો સાત વસ્તુ:દરેકને સારું ખાવાનું મળે, આંગણા વાળું ઘર મળે,લજ્જા સચવાય એવા કપડાં મળે,સારું આરોગ્ય,સારી શિક્ષણ પદ્ધતિ,સારા ઓજારો અને સાત્વિક મનોરંજનના સાધનો મળે એ રામરાજ્ય છે.

પાદુકા પણ ઈશ્વર છે,એમાં પણ છ એશ્વર્ય છે. અરણ્યકાંડમાં અત્રિ ઋષિના આશ્રમમાં આગમન, વિરાધ,શરભંગને મળી અને કુંભજ પાસે માર્ગદર્શન મેળવી ગોદાવરીના કાંઠે પંચવટીની પાસે વસવાટ કરે છે.નાની-મોટી કથાઓ સંક્ષિપ્તમાં કરી. મારિચ દ્વારા યોજના બનાવી અને સીતા હરણ થયું.રામની વિરહી નરલીલા કબંધનો ઉદ્ધાર અને શબરીના આશ્રમમાં નવધા ભક્તિનું ગાયન કરતા કહ્યું કે અહંકારને બદલે અહંભાવ રાખો.સુગ્રીવ સાથે મૈત્રી,વાલીનું નિર્વાણ કિષ્કિંધાકાંડ પૂરો કરી સુંદરકાંડમાં સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરવામાં આવી.

આવતિકાલે આ રામ કથાનો પૂર્ણાહુતિ દિવસ હોઇ કથા સવારે ૯:૩૦ વાગે શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here