શાસ્ત્રો શસ્ત્રોની જેમ ખખડાવવા માટે નથી.
યોગનું બીજું પગલું અપરિગ્રહ છે.
જે શાંત હોય,શુદ્ધ હોય,સમત્વનો ભાવ ધરાવતા હોય એ યોગી છે.
“હું બોલતો રહ્યો છું,બોલતો જ રહેવાનો છું,વચ્ચે જે કંઈ થાય;આવતા જન્મે પાછો બોલવા માટે જન્મવાનો છું:મોરારિબાપુ.”
સંતરામ મહારાજનાં ૧૯૪માં મહોત્સવ નિમિત્તે ચાલી રહેલી રામકથાનાં આઠમા દિવસે સંતો,સાક્ષરો અને સપૂતોની બહોળી ઉપસ્થિતિમાં આરંભે વિશેષ વક્તાઓની શ્રેણીમાં ‘ભાઇશ્રી’ રમેશભાઇ ઓઝાએ પોતાનું વક્તવ્ય આપ્યું.
આજે સભામંડપ સાહિત્ય મંડપ સમો લાગતો હતો કારણ કે દિગ્ગજ સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીની ભૂમિ પર સાક્ષરોની વંદના પણ થઇ રહી છે.જેમાં સમગ્ર પંજાબી સમાજની ઉપસ્થિતિ સાથે સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદી,કવિ ભાગ્યેશ જ્હા, ભદ્રાયુ વછરાજાની,પદ્મશ્રી ભિખુદાન ગઢવી તેમજ અનેક સાહિત્યકારો હાજર હતા.
કથા દોરમાં બાપુએ જણાવ્યું કે રામચરિત માનસમાં રાજ શબ્દ ૨૮ વખત આવ્યો છે.એ પંક્તિઓ બતાવી અને ૨૯મી વખત યોગીરાજ શબ્દ આવ્યો છે એ બતાવ્યું.ધર્મસમ્રાટ કરપાત્રીજી મહારાજ ગંગા તટ ઉપર કાશી નરેશને યોગ પરક વક્તવ્ય આપે છે એ વખતે ૨૯મી ઉન્નમની દશા-જે યોગનું વિશિષ્ટ સ્થાન છે એના વિશેની વાત કરે છે.
શંકરાચાર્યજી કહે છે સો ગણુ સાંભળો,હજાર ગણું એનું મનન કરો,લાખ ગણું નિદિધ્યાશન કરો અને અનેકગણું નિર્વિકાર સમાધિમાં પ્રવેશ કરો. આપણાથી આવું ન થાય એમ કહીને કથા શ્રવણ અને શ્રવણ ભક્તિ છોડી ન દેવા.
યોગનું પહેલું દ્વાર વાક્ નિરોધ-વાણીનો સંયમ કહ્યો છે.આ આપણા માટે અઘરું નથી.શાસ્ત્રો શસ્ત્રની જેમ ખખડાવવા માટે નથી.યોગનું બીજું પગલું અપરિગ્રહ છે.
બાપુએ કહ્યું કે:હું બોલતો રહ્યો છું,બોલતો જ રહેવાનો છું,વચ્ચે જે કંઈ થાય;આવતા જન્મે પાછો બોલવા માટે જન્મવાનો છું.
ઈશ્વર નામથી મળે છે,રૂપથી નહીં ઓળખી શકાય. આશા અને ઈચ્છાનો ત્યાગ એ ત્રીજું પગલું નિત્ય એકાંતનું સેવન એ યોગનું ચોથું પગલું છે.
અહીં વાસંતી નામની ગણિકા પાસે અંતકાળે તુલસીદાસજીએ શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન… પદ ગાયું એ કથા કહી અને સંતરામ મહારાજ પાસે સુરતની માણેક નામની ગણિકા આવી ત્યારે મહારાજે માથે હાથ મૂકી અને એનો ઉદ્ધાર કરેલો એ કથા પણ કહી.
રામદાસ મહારાજે લખેલા ગ્રંથની પંક્તિઓને સ્પર્શ કરી અને કથાપ્રવાહમાં રામ લક્ષ્મણનું જનકપુર દર્શન થાય છે.બીજે દિવસે ગુરુ માટે પુષ્પ લેવા જાય છે એ વખતે જાનકીજી દેવીપુજન માટે આવે છે એ પુષ્પવાટિકાનો પ્રસંગ કહી અને રામ અને સીતાજીનું પ્રથમ મિલન થયું એ દર્શાવ્યું.
અહીં ૧૨ પ્રકારનું દર્શન થયેલું છે એ બતાવ્યું.નવ યોગીઓની યાદીમાં રામ પણ યોગી છે.જે શાંત હોય,શુદ્ધ હોય,સમત્વનો ભાવ ધરાવતા હોય એ યોગી છે.એ પછી ધનુષ્યભંગની પંક્તિઓનું ગાયન કરીને કહ્યું કે આ પ્રસંગમાં ગૂઢ રીતે ઈશ્વરના દશાવતાર બતાવવામાં આવ્યા છે.સિતા-રામજી સહિત ચારેય ભાઈઓના વિવાહ અને એ પછી પરશુરામનું આગમન અને ગમન થયા પછી અયોધ્યાથી વિશ્વામિત્રની વિદાયનો કરુણ પ્રસંગ સજળ નેત્રે વર્ણવી બાલકાંડનું સમાપન આજની કથાને વિરામ આપવામાં આવ્યો.
કથા-વિશેષ:
ભગવદ કથામાં અરુચી હોય એણે ભગવદ કથા ખાસ સાંભળવી:ભાઇશ્રી
‘ભાઇશ્રી’ રમેશભાઇ ઓઝાએ નાનકડાં વક્તવ્યમાં કહ્યું કે ભગવાન વ્યાસ શ્રોતાઓને રસલંપટો એવું કહે છે.વક્તાની કર્મેન્દ્રિય શ્રોતાઓની જ્ઞાનેન્દ્રિય અને બંને સાથે જોડાયેલું મન,જોડાયેલું રહે તો જ એની સાર્થકતા રહે છે.ભગવદ કથામાં મુખ પીરસે અને કાન જમે છે.કારેલા અને કૃષ્ણ ગમે તે રૂપમાં આવે,ગમે જ.વ્યાસપીઠની વાત ક્યારેક કડવી લાગે તો પણ એ હિતકર્તા હોય છે.જેમ કોઈ તોફાની છોકરાને મા પકડી અને નવડાવે એમ તોફાની મનને કથારૂપી મા નવડાવી,આંખ દેખાડીને બેસાડે છે.મનને શુદ્ધ કરનારું શ્રીમદ ભાગવત જેવું કોઈ સાધન નથી.ક-એટલે રસ અને એમાં સ્થિત કરી દે-એ કથા.કથા ભટકતા મનને પકડી રાખે છે,કારણ કે મન રસ જ શોધતું હોય છે,અને કથા રસાળ હોય છે,મન એમાં લાગી જાય છે.પછી મનને કથા સ્નાન કરાવે છે જેથી મન શુદ્ધ થાય છે.
કથાના્ પાંચ ફળ:અરતિ દૂર કરે,તૃષ્ણા ભગાડે,વિલંબ વગર શુદ્ધ થાય છે,હરિમાં અનુરાગ ભક્તિ ઉત્પન્ન કરે છે અને હરિ સામેથી આવે છે. ભગવદ કથામાં અરુચી હોય એણે ભગવત કથા ખાસ સાંભળવી.
સોલા ભાગવત વિદ્યાપીઠનાં ભાગવત ઋષિજીએ પોતાનો શબ્દ ભાવ રાખતા કહ્યું કે સંતરામ મંદિર બધા સંતોનું પિયર છે.શ્રીમદ ભાગવતનું માહત્મ્ય ધુંધુકારીની કથા આપણને શૂન્ય કરતાં શીખવાડે છે અને છેલ્લે આશ્રય એટલે કે પૂર્ણમાં મોહી જવાનું શીખવાડે છે.
શેષ-વિશેષ:
અત્રે બે વિશિષ્ટ પ્રકલ્પો પણ ચાલે છે:ટાઉન પોલીસ સ્ટેશન આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ કે જ્યાં માત્ર થેલેસેમિયાનાં દર્દીઓ માટે રક્ત એકઠું કરવામાં આવે છે.તેમાં દરેક ધર્મના લોકો રક્તદાન કરે છે.મુસ્લિમ સમાજની બહેનો દીકરીઓએ પણ એમાં પોતાનો ખૂબ મોટો ફાળો આપ્યો છે.
સાથે-સાથે ‘સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવન’ કે જ્યાં ગર્ભાધાન સંસ્કાર દ્વારા નિરોગી સંતાન માટેની સંપૂર્ણ સેવા થઈ રહી છે.૧૨ વર્ષમાં ૯૦૦થી વધુ દીકરીઓએ આ તપોવનનો લાભ લીધો છે.સાથે સાથે ચાઇલ્ડ કેર સેન્ટર પણ ચલાવાઈ રહ્યું છે.