સ્વિકૃતિ આપણી પ્રકૃતિ બની જાય તો એનું પરિણામ સંસ્કૃતિ જ હોય

0
8

સંગ-રામ જ સંગમ કરાવી શકે,સંગ્રામ ન કરાવી શકે.
અહીં રામ અને શિવ એટલે કે વૈષ્ણવ અને શૈવનો સંગમ છે.
સાહિત્યમાં બધા જ રસનો સંગમ થઈ જાય તો વિશ્વનું મંગળ થશે.
તિર્થરાજ પ્રયાગનાં મહાકુંભ મેળામાં ચાલતી રામકથાનાં ત્રીજા દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાના પરિવાર સહિત વ્યાસપીઠ પર આવ્યા,ટૂંકું પણ સરળ ઉદબોધન કર્યું.
બાપુએ પૂર્વ રાષ્ટ્રપતિની સહજતા,સરળતા અને ભૂતકાળનાં સુંદર અનુભવો-જ્યારે એ તલગાજરડા આવેલા એ વખતે બધી જ વ્યવસ્થાઓ એક તરફ રાખીને આસ્થા એક તરફ રાખીને તલગાજરડાનાં લોકોને રાષ્ટ્રપતિ ભવનમાં રોકાવા નિમંત્રણ પણ આપેલું.
રાષ્ટ્રપતિ ભવન એ રાષ્ટ્રનું ભવન છે એવી સહજતા આ રાષ્ટ્રપતિમાં દેખાય છે.
તુલસીદાસજી રામચરિત માનસનાં આરંભમાં જ સંગમની વાત પહેલા મંત્રમાં કરે છે:વર્ણ,અર્થ, અર્થોનો સમૂહ અને રસ-આ બધાનો સંગમ થયો છે. વર્ણનો મતલબ અક્ષર,એના કેટલાય અર્થ,અર્થ સમૂહ,સાહિત્યમાં બધા જ રસનો સંગમ થઈ જાય તો વિશ્વનું મંગળ થશે.
ગઈકાલે યાજ્ઞવલ્ક્ય અને ભરદ્વાજનાં સંગમની વાત કરી હતી આ બંનેએ શિવકથા અને રામકથાનો સંગમ જગતને કરાવ્યો.આ સંગમથી કથાનું અમૃત નીકળ્યું છે.અહીં રામ અને શિવ એટલે કે વૈષ્ણવ અને શૈવનો સંગમ કરાવ્યો છે.સનાતન ધર્મની આ જ વિશેષતા છે.
ભારત સનાતન પુરુષની વિભૂતિ છે એવું ગીતાના ન્યાયથી પણ કહી શકાય.
બાપુએ ઉમેર્યું કે આપણે સ્વિકાર નથી કરતા ત્યારે જ સંઘર્ષ શરૂ થાય છે.ભૂતકાળમાં ગંગાનાં તટ ઉપર વેદોની ઋચાઓનું ગાન થતું જે પ્રવાહને પવિત્ર બનાવી દેતી અને એટલે પ્રદૂષણ નહોતું દેખાતું.
સનાતનની વ્યાખ્યા બ્રહ્મવૈવર્ત્ય પુરાણનાં એક મંત્રમાં લખી છે:
સર્વકાલે સત્યપ્રોક્તા વિદ્યમાને તનીતિ ચ
સર્વત્ર સર્વકાલેષુ વિદ્યમાના સનાતની
જે સર્વકાલોમાં વિદ્યમાન છે,સર્વત્ર,દરેક લોકમાં જે વિચારધારા પ્રાસંગિક છે એ સનાતન છે.આ સંગમની વ્યાખ્યા છે.
સનાતન શાશ્વત મૂલ્ય લઈને ગતિ કરે છે.એટલે જ અર્જુન ગીતામાં દિવ્ય રૂપ જોઈને કૃષ્ણને બધા જ સંબોધનો પડતા મૂકી અને સનાતન પુરૂષ કહે છે.
સંગરામ જ સંગમ કરાવી શકે,સંગ્રામ ન કરાવી શકે.
જો બની શકે તો સંકલ્પ કરીને બધાની સાથે સંગમ સમન્વય અને સંવાદ કરજો.
શાસ્ત્રો કહે છે કે પિતા,માતા આત્મા અને ગુરુની સેવા અગ્નિ સમજીને કરજો.એને આહુતિઓ આપીને પ્રજવલીત રાખજો.
ગંગા,ત્રિવેણી કોઈનો અસ્વિકાર નથી કરતી પણ સાદર ગુણાતિત શ્રદ્ધા લઈને આવવું પડશે અહીંથી ગંગાજળની સાથે સંગમની વિચારધારા પણ લઈને જજો જે પારિવારિક વિઘટન રોકી દેશે.
સ્વચ્છંદી ન બનીએ પણ આપણો એક સ્વ-છંદ હોવો જોઈએ.
એ પછી કથાધારામાં જાગબલિક શિવકથાનો આરંભ કરે છે.એક વખતના ત્રેતાયુગમાં ભગવાન શિવ અને સતી કુંભજના આશ્રમમાં રામકથા સાંભળવા જાય છે.સતી બુદ્ધિમાન બાપની દીકરી હોવાથી એને શંકા થાય છે.કથા સાંભળતી નથી અને કથા સાંભળીને પાછા વળતી વખતે રસ્તામાં આ ત્રેતાયુગની રામની લલિત નરલીલા ચાલે છે.સતીને શંકા થાય છે.પરીક્ષા કરે છે.
આમ સતીએ અનેક ભૂલો કરી.કથા ન સાંભળી, શંકા કરી,વિશ્વાસની વાત ન માની,પરીક્ષા કરી, સીતાનું રૂપ લીધું,જૂઠું બોલ્યા અને સંશય જ્યારે હૃદય સુધી પહોંચે ત્યારે વિનાશ કરે છે.શિવ પ્રતિજ્ઞા કરીને સમાધિમાં બેસે છે.સમાધિ છૂટતા સતી દક્ષયજ્ઞમાં જાય છે અને ત્યાં યજ્ઞ વિધ્વંશ કરીને પોતે યજ્ઞ કુંડમાં કુદી અને પ્રાણનો ત્યાગ કરે છે.

કથા વિશેષ:
શિવ અને રામનો સંગમ;શૈવ અને વૈષ્ણવનો સંગમ:
કલકત્તાના રામકથાના વિદ્વાન અશ્વિનીજીએ રામાયણ ઉપર એક પુસ્તક લખ્યું.એમાં સંગમની વાતમાં શિવ અને રામ તેમજ સતી અને સીતા એટલે કે પાર્વતી અને સીતાની સંગમી અવસ્થાની પંક્તિઓ સાથે સાધાર વાત લખી છે.
બંને જગદીશ છે.બે નદીઓનો મેળાપ જો આટલો પાવન કહેવાતો હોય તો બે જગદીશનો મેળાપ કેટલો પાવન હશે!
બંને અંતરયામી છે.બંને સર્વ પ્રેરક-બધાનું પ્રેરક તત્વ છે.બંને વ્યાપક બ્રહ્મ છે.બંને નિર્ગુણ છે.બંને કાળ ભક્ષક છે.બંનેના નામ કલ્પતરુ છે.બંનેનું ધામ મોક્ષદાતા છે.બંનેની ચરણરતિ આવશ્યક છે.બંને પરમ ઉદાર છે.બંનેના ચરિત્ર અગાધ છે.આ શૈવ અને વૈષ્ણવનો સંગમ છે.
એ જ રીતે સતી અને સીતાનો સંગમ:
બંને જગદંબા,આદિ શક્તિ,ઉદભવ આદિનું કારણ, રિદ્ધિ-સિદ્ધિ પ્રદાન કરનારી,પ્રતિવ્રતા શિરોમણી છે.

શેષ-વિશેષ:
તો ટ્રમ્પનો ડંકો જરુર વાગશે:
એકતાનો,અખંડ ભારતનો પરિચય એ કે અહીંયા બધાનો સ્વીકાર છે.ગઈકાલે યુપીના મુખ્યમંત્રી યોગીજી આવ્યા.રાજનાથજી પણ આમાં સ્નાન કરવા આવ્યા.પૂર્વ રાષ્ટ્રપતિ આજે આવ્યા છે.ગૃહ મંત્રી અમિત શાહ આવી રહ્યા છે.પાંચ તારીખે કદાચ પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ આવી શકે છે.વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી પણ આવશે.એવી કોશિશ થઈ રહી છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ પણ આ કુંભમેળામાં આવશે.
બાપુએ કહ્યું કે ટ્રમ્પ આવે કે ન આવે પણ ટ્રમ્પના આવવાથી ભારતનો ડંકો નહીં વાગે,પણ ટ્રમ્પનો ડંકો જરૂર વાગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here