ત્રિભુવનીય ગ્રંથનો પાઠ કરતી વખતે આંખમાં આંસુ આવી જાય તો એ ગ્રંથાભિષેક છે.

0
11

જેનામાં ૧૬ લક્ષણો છે એનો અભિષેક કરવો જોઇએ.”

શ્લોક, સોરઠા, દોહા, ચોપાઈ અને છંદએ રામચરિત માનસનાં પંચામૃત છે.

આપણો ગુરુ આપણો યોગ્યકર્તા છે.”

રુદ્ર, રૌદ્ર અને રુદ્રી આધ્યાત્મિક બિલ્વપત્ર છે.

આપણે કંઈક પ્રાપ્ત કરી લીધું, કંઈક કમાયા એનું ફળ આપણે ભોગવી શકીએ કે પણ ભોગવી શકીએ, પણ જેવી રીતે કમાયા એનું ફળ ચોક્કસ ભોગવવું પડે છે.”

ઇન્ડોનેશિયાનાં યોગ્યકર્તા ખાતે પ્રવાહિત રામકથાનો બીજો દિવસ,આરંભે પૂછાયેલા પ્રશ્નોના ઉતર આપતા બાપુએ અભિષેક વિશેની વાતો ખોલી.પૂછાયું કે કોનો અભિષેક કરવો જોઈએ અને જેનો અભિષેક કરીએ એમાં કેવા લક્ષણો હોવા જોઈએ?

બાપુએ કહ્યું કે વેદના પુરુષસૂક્તમાં આપણને કહેવાયું છે કે શાલીગ્રામ-ભગવાન વિષ્ણુનો અભિષેક,રામનો અને કૃષ્ણનો અભિષેક,તેમજ રુદ્રાભિષેક તો ખૂબ જ પ્રસિદ્ધ છે.જે શિવનો અભિષેક છે.ગઈકાલે બતાવ્યું એમ દુર્ગાભિષેક, સમુદ્રના પાણી દ્વારા જ એનો જલાભિષેક-સમુદ્રમાં જળ અર્પણ કરીએ છીએ.આપણા માનસનો એક અર્થ હૃદય છે તો હૃદયનો અભિષેક.

બાપુએ કહ્યું કે રામચરિત માનસનો પાઠ કરો.પાઠ કરતી વખતે હાથમાં માનસ હોય અને આંખમાં આંસુ આવી જાય તો એ ગ્રંથાભિષેક છે.ભગવત ગીતા કે ત્રિભુવનીય ગ્રંથ ઉપર આંખો ગદગદિત થઈ જાય એ ગ્રંથાભિષેક છે.બુદ્ધપુરુષનો પણ એક અભિષેક છે. કોઈ પહોંચેલ મહાપુરુષ,જેની ફકીરીએ ઇતિહાસ રચેલો હોય પણ એના ઉપર ઇતિહાસ રચવાની કોઈને ફૂરસદ ન હોય(!) એવા બુદ્ધ પુરુષનો અભિષેક.જેને આત્મબોધ થઈ ગયો છે એવા આપણા કોઈ બુદ્ધપુરુષ,કોઈ પરમ સાધુનો અભિષેક કરવો જોઈએ.

પ્રશ્ન એ થાય છે તેની ક્વોલિટી કેવી હોવી જોઈએ? આપણે ગઈ કાલે જોયું કે પંચામૃતથી અભિષેક કરવો જોઈએ.ગ્રંથના રૂપમાં આપણે આ ત્રિભુવનીય શાસ્ત્રનો અભિષેક કરીએ ત્યારે એની ઉપર દૂધ,દહીં, ઘી એવું નાખશું?ના.તો માનસનો અભિષેક પંચામૃતથી કઈ રીતે થશે?

બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં પંચામૃત એટલે: શ્લોક,સોરઠા,દોહા,ચોપાઈ અને છંદ એ પંચામૃત છે. એક દ્રવ્ય છે ધૃત અથવા ઘી.રામચરિત માનસમાં શ્લોક એ ઘી છે.શ્લોકનો દરજ્જો ખૂબ ઊંચો છે. શ્લોકની છાંયામાં બધા જ લોક છે.મંગલાચરણ કે અન્ય ઋષિમુનિઓની સ્તુતિઓમાં શ્લોક છે એ ઘી છે.ત્રિભુવનદાદા કહેતા કે રુદ્રાષ્ટકનું ગાયન કરો ત્યારે માલકૌંસમાં ગાવું,કારણ કે શિવને માલકૌંસ અત્યંત પ્રિય છે.શ્લોક નારાયણ રૂપ છે.મધ શું છે? ચોપાઈ એ મધ છે.આપકે કાનોં મેં શહદ ઘોલતા હૈ!શ્રોતાઓના કાનમાં મધુસંચાર થાય છે.યજુર્વેદમાં મધને ઔષધી કહી છે.આયુર્વેદમાં પણ મધને ઔષધિ કહી છે.

પંચામૃતમાં દહીં શું છે?રામચરિત માનસમાં આવેલા દોહા-એ જમાવેલું દહીં છે.અને સોરઠાઓ એ દૂધ છે સારી રીતે ગાયના વાછડાઓને ધવડાવ્યા પછી આનંદિત થયેલી ગાય વાસણ ભરી આપે છે અને પહેલી ધારનું દૂધ આપે એ સોરઠા-દૂધ છે.અને રામચરિત માનસમાં છંદ એ સાકર છે.

અહીં પ્રશ્ન એ છે કે આ બધાનો અભિષેક કરીએ તો એમાં શું લક્ષણો હોવા જોઈએ?

કોઈ કહે કે આ બુદ્ધપુરુષ તો માની લેવું જોઈએ? રામ અને કૃષ્ણનો અભિષેક કરવા માટે શું હોવું જોઈએ?

બાપુએ કહ્યું કે ૧૬ લક્ષણો હોવા જોઈએ.કૃષ્ણમાં ૧૬ કળાઓ છે એટલે એ પૂર્ણાવતાર છે.

અને ઘણા નાના મનવાળા લોકો બીજું કંઈ કામ ન હોય તો એવું કહે છે કે રામમાં બાર જ કળા છે!પણ કૃષ્ણ તો સોળ કળાનો અવતાર છે! રામમાં ૧૬ શીલ છે.જે તુલસીના અન્ય ગ્રંથોને જોઈએ તો દેખાય છે. મહાદેવમાં ૧૬ રસ છે.સોળ રસથી પરિપૂર્ણ શિવ છે. અને દુર્ગાની ૧૬ ઉર્જાઓ છે.કેટલીક રજોગુણી, કેટલીક તમોગુણી,કેટલીક સત્વગુણી અને કેટલીક ગુણાતીત ઉર્જાઓ મળીને ૧૬ બને છે.

સમુદ્રમાં ૧૬ રત્ન છે,તમે કહેશો કે ૧૪ જ રત્ન છે! પણ ૧૪ રત્ન નીકળ્યા છે અને બે ગુપ્ત છે.

એ જ રીતે બુદ્ધ પુરુષમાં ૧૬ લક્ષણો છે.ગીતાના ૧૬માં અધ્યાયમાં અભયથી ચાલુ કરી અને જે લક્ષણો બતાવ્યા છે,જેની વાત આપણે હવે પછી કરશું.

બાપુએ કહ્યું કે આપણો ગુરુ આપણો યોગ્યકર્તા છે. આપણું પરમહિત કરે એ યોગ્યકર્તા છે.

શંકરાચાર્યએ થોડોક ક્લિષ્ટ લાગે એવો એક ગ્રંથ- બોધસોપાન રચ્યો.જે બોધની સીડી બતાવે છે. એ સીડીનું પથમ પગથિયું છે:આત્મબોધ.એ જ વાત બુદ્ધ પણ કહે છે અને ગરુડે પણ ઉત્તરકાંડમાં જે સાત પ્રશ્નો પૂછ્યા એ શાંકરી પરંપરાનું ભાવાંતર છે. શંકરાચાર્ય કહે છે કે જેણે તપ કરતાં કરતાં સમસ્ત પાપ ખતમ કરી દીધા છે,અપમાન સહન કરીને,ગાળો ખાઈને,તિરસ્કાર સહન કરીને,સુખ-દુઃખ સહન કરીને જે તપ કર્યું છે એને બોધ થાય છે.સાધુ,સંતો જે પાંચ ધૂણી તાપે છે એ તપ છે.જેને પરમાત્મા પ્રસન્ન થવાની તૈયારી છે એ પંચ ધૂણી તાપે છે કારણકે પ્રસવ થવાની તૈયારી છે!

એક મહત્વની વાત કરતા બાપુએ કહ્યું કે આપણે કંઈક પ્રાપ્ત કરી લીધું,કંઈક કમાયા એનું ફળ આપણે ભોગવી શકીએ કે ન પણ ભોગવી શકીએ.લોકો અબજો રૂપિયા કમાય છે પણ ક્યારેક રોટલી પણ ખાઈ શકતા નથી,રોટલી ઉપર ઘી પણ લગાવી શકતા નથી.પણ જેવી રીતે કમાયા એનું ફળ ચોક્કસ ભોગવવું પડે છે.

શંકરાચાર્ય કહે છે તપથી તારા પાપને ખતમ કર. બાપુએ કહ્યું કે રાગ બંધન છે,હું સમજુ છું,ઠીક નથી,પરંતુ જ્યારે ગુરુકૃપા વરસવા લાગે ત્યારે મને લાગે કે ઝડપથી સવાર પડે,દસ વાગે અને મારા શ્રોતાઓ સામે હું આ બધું જ કહું,આ રાગ છે.અને શ્રોતાઓને પણ એમ થતું હશે કે ક્યારે દસ વાગે અને કથા કથાપ્રવાહ ચાલે.આ બંને બાજુ રાગ છે.પણ રાગને મંઝિલ ન બનાવતા,મારગ બનાવજો.એ મારગથી આગળ ભાવ જાગશે,અનુરાગ થશે અને અંતે વિરાગ સુધી પહોંચીશું.સાધનાનો આ ક્રમ છે. બુદ્ધપુરુષ કોણ?અનુભવ જ અહીં કામ આવશે. બાપુએ કહ્યું કે ભગવાન શિવની અંદર નવ રસ સ્પષ્ટ દેખાય છે:હાસ્યરસ છે.શૃંગાર રસ છે.અને ત્રણ નેત્રો, સાપની માળા એ બિભત્સ રસ છે.કરાલં મહાકાલ કાલં કૃપાલમ- આ ભયાનક રસ છે.રુદ્ર,રુૌદ્ર અને રુદ્રી આધ્યાત્મિક બિલિપત્ર છે.શિવ શાંતિથી બેઠા છે એ શાંત રસ છે.અને કર્પુર ગૌરં કરુણાવતારં- આ કરુણ રસ છે.કામદેવ શિવને જોતા જ હટી જાય છે એ શિવનો વીરરસ છે.જટામાંથી ગંગા નીકળી રહી છે-આ અદભુત રસ છે.પણ એ ઉપરાંત મગન ધ્યાન.. શિવજી ધ્યાનમાં બેઠા છે-એ એનો દસમો- ધ્યાનરસ છે.

એ જ રીતે ભોજનના છ રસ આમ શિવની અંદર ૧૬ રસ છે.કૃષ્ણમાં ૧૬ કળાઓ,રામનાં સોળ શીલ જેમાં રામ ધર્મશીલ,કર્મશીલ,ક્ષમાશીલ,મૌનશીલ,ધૈર્યશીલ, કરુણાશીલ,સ્મરણશીલ વિસ્મરણશીલ, સ્વિકારશીલ,સત્યશીલ,સંસ્કારશીલ.આ બધા જ શીલ રામમાં દેખાય છે.

બાપુએ કહ્યું કે મૌનનો સંબંધ મૂન સાથે છે,વાણી સાથે કોઈ લેવા દેવા નથી.ઘણાં કંઈ બોલે જ નહીં તો એ કંઈ મૌની મહાત્મા નથી!દુર્ગાની સોળ ઉર્જા, સમુદ્રના ૧૬ રત્ન આ બધા જ અભિષેકના અધિકારીઓ છે.

રામકથાના પ્રવાહમાં હનુમાનજીની વંદના પછી રામકથાના પ્રધાન તત્વોની વંદના કરતા કરતા તુલસીદાસજી સીતારામની વંદના કરે છે.એ પછી આખું પ્રકરણ નામવંદનાનું છે.જેની ચોપાઈઓનું ગાન કરીને નામ વંદના સુધીની કથા પછી આજની કથાને વિરામ અપાયો.

Box:

અમૃતવર્ષા:

રામચરિત માનસ અને વેદના આધારે ઔષધ શું છે?

વેદ કહે છે રુદ્રૌષધમ-શંકર સ્વયં ઔષધ છે.વેદરૂપી વૈદથી આરોગ્ય પ્રાપ્ત કરવા માગતા હોઈએ તો રુદ્ર સ્વયં ઔષધિ છે.તો શું બેઠા બેઠા રુદ્ર-રુદ્ર કરવું?ના. મહત્વની ઔષધિનો એક યોગ્ય સમય હોય છે.વૈદના કહેવા ઉપર અને એણે બતાવેલા અનુપાન સાથે દરેક ઔષધિ પોતાનો સમય લેતી હોય છે.

ખાલી રુદ્ર પણ ઔષધિ છે,તો રુદ્રાષ્ટક તો કેવી ઔષધિ હશે!ખરલમાં ઘૂંટી-ઘૂંટીને આઠ શ્લોકની રચના એમાં થયેલી છે.

ઔષધઃમન:પ્રસાદ: મનની પ્રસન્નતા પણ ઔષધિ છે. માણસ જેટલો પ્રસન્ન રહે એટલો વધારે તંદુરસ્ત રહે છે.ઘણી વખત તબિયત ઠીક ના હોય તો મનની પ્રસન્નતા રહેતી નથી એ હું જાણું છું.

પવિત્રતા પણ ઔષધિ છે.

મન,બુદ્ધિ અને ચિત્તથી પવિત્ર રહે તો એને બીજા કોઈ અભિપ્રાયની જરૂર નથી.એક જ અભિપ્રાય કાફી છે.

મન પવિત્ર હોય તો આપણે તંદુરસ્ત રહીએ છીએ. બુદ્ધિ પવિત્ર હોય તો તંદુરસ્ત રહીએ છીએ.ચિત્ત પવિત્ર હોય તો પણ તંદુરસ્ત રહીએ છીએ.

મનને પ્રસન્ન કેમ રાખશું?કઈ રીતે પવિત્ર કરશું? બાપુએ કહ્યું:શ્રી ગુરુ ચરણ સરોજ રજ નીજ મન મુકુર સુધાર….

ગુરુના ચરણની રજ મનને પવિત્ર કરે છે.

મા જાનકીજીના ચરણની વંદનાથી બુદ્ધિ પવિત્ર થાય છે.

નિરંતર હરિ સ્મરણથી ચૈતસિક-ચિત્તની શુદ્ધિ થાય છે.

નિરંતર,તૈલધારાવત સ્મરણથી ચિત શુદ્ધ થાય છે, અન્ય કોઈ ઉપાય નથી.

બાપુએ કહ્યું કે સ્મરણનો અર્થ પરમ તત્વમાં પૂરેપૂરું ડૂબી જવું.

૧૦૮ મણકાની માળા હોય,તો ૧૦૮ મોબાઈલવાન બોલાવવાની જરૂર નહીં રહે.

ગંગાજળ પણ ઔષધિ છે.

વરુણ જળ ઔષધિ છે.પવન પણ ઔષધિ છે.

સારી હવા લઈએ,કોઈ સરોવર,કોઈ નદીના કિનારા ઉપર જઈએ એ પણ થેરાપી છે.

પ્રાણાયામ વગર પણ સહજતાથી,વૃક્ષની નીચે,કે ખેતરમાં બેસીએ તો એ પવનની ઔષધિ છે.

પૃથ્વિ ઔષધી છે.પૃથ્વી ઉપર સૂવાનો નિરંતર અભ્યાસ કરો અને ધ્યાન રાખો કે અવાહક તત્વ પાથરીને એની ઉપર સૂવું જોઈએ.

વેદ કહે છે આકાશ અને આકાશમાં ઉદિત થયેલો ચંદ્રમા ઔષધી છે.આકાશ નીચે સૂવું જોઈએ અને ચાંદનીની અમૃતવર્ષા એ ઔષધિ છે.

અગ્નિ પણ ઔષધી છે.નવા બાળકને જન્મ આપનાર પ્રસુતાના પલંગ નીચે અગ્નિ રાખવાનું આ જ કારણ છે.

પરમાત્માનું નામ પણ ઔષધિ છે-જાસુ નામ ભવભેષજ.

ગુરુના ચરણની રજ પણ ઔષધિ છે,જેટલા પણ રોગ છે એનો નાશ કરે છે.

મહાદેવનું નામ ઔષધિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here