ગુજરાત, અમદાવાદ ૨૨ એપ્રિલ ૨૦૨૫: અમદાવાદના જુહાપુરા વિસ્તારની મુસ્લિમ મહિલાઓ માટે મુસ્લિમ વેલ્ફેર એસોસિએશન દ્વારા પહેલી વાર સ્વરક્ષણ, વ્યક્તિગત સુરક્ષા, બાળ શોષણ અને મુસ્લિમ છોકરીઓ માટે હેલ્પલાઇન અને મહિલા જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા પોલીસે પણ ભાગ લીધો હતો અને મહિલા હેલ્પલાઇન સેવા વિશે માહિતી આપી હતી.
આ અંગે મુસ્લિમ વેલ્ફેર એસોસિએશનના ગુજરાત પ્રમુખ યાસ્મીન વોરાએ જણાવ્યું હતું કે, મુસ્લિમ મહિલાઓમાં શિક્ષણ ઓછું છે અને જાગૃતિ ઓછી છે. આ અંગે જાગૃતિ લાવવા માટે અમે આજે વરખવાલા પાર્ટી પ્લોટ ખાતે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં અમે મુસ્લિમ મહિલાઓને સ્વ-રક્ષણ તકનીકો શીખવી હતી. અને તેમને શિક્ષણમાં કેવી રીતે પ્રગતિ કરી શકાય તે અંગે માર્ગદર્શિકા પણ આપી હતી.
આ સાથે, જો તેમની સાથે કોઈ ઘટના બને તો, મહિલા હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ તેઓ પોલીસની મદદ લેવા માટે કરી શકે છે. આ કાર્યક્રમમાં વાસણા પોલીસ સ્ટેશનની શી ટીમ પણ હાજર હતી. બુરખો પહેરેલી સ્ત્રી પોતાનો બચાવ કેવી રીતે કરી શકે? મુશ્કેલીના સમયમાં તે પોતાનો બચાવ કેવી રીતે કરી શકે અને મક્કમ રહી શકે તે અંગે તમામ પ્રકારની માહિતી આપવામાં આવી હતી.
જુહાપુરાના સ્થાનિક ઉદ્યોગપતિ ઇનામુલ ઇરાકીએ જણાવ્યું કે, જુહાપુરાની છોકરીઓને સ્વરક્ષણ શીખવવાનું કામ આજે કરવામાં આવ્યું. અમે તેમને આ માટે અભિનંદન આપીએ છીએ, આનાથી મુસ્લિમ મહિલાઓમાં જાગૃતિ આવશે અને તે દરેક મુશ્કેલીનો હિંમતથી સામનો કરી શકશે અને તેની અંદરનો ડર દૂર થઈ જશે.