આણંદથી જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતાં પ્રથમ કન્ટેનરને પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી

0
28
  • ગત વર્ષે આણંદ ખાતેથી અમેરિકામાં પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરવામાં આવી હતી
  • નિકાસની પરંપરાને આગળ ધપાવતી ભારતની સૌ પ્રથમ એફ.પી.ઓ. “ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કો.ઓ.સો.લી”
  • આણંદ જિલ્લાને સહકારી ક્ષેત્રે અગ્રેસર રાખવા વધુમાં વધુ ખેડૂતો એફ.પી.ઓ.માં જોડાય તે જરૂરી- કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી
  • બાગાયત વિભાગ અને ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કો.ઓ.સો.લી. ના સંયુક્ત ઉપક્રમે ફાર્મર ટ્રેનીંગ યોજાઈ

આણંદ 25 સપ્ટેમ્બર 2024: આણંદથી જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતાં કન્ટેનરને  જિલ્લા કલેકટરશ્રી  પ્રવીણ ચૌધરી સહિત અન્ય મહાનુભાવોએ બોરીયાવી ખાતેથી પ્રસ્થાન કરાવ્યુ હતુ. ખેત પેદાશોના નિકાસ પ્રસંગે નાયબ બાગયત નિયામકની કચેરી તથા ધ વન ગુજરાત  ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કો -ઓપરેટીવ સોસાયટી લિ.ના સંયુક્ત ઉપક્રમે એફ.પી.ઓ. ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા સમાહર્તા  શ્રી પ્રવીણ ચૌધરીએ ઓર્ગેનિક પેદાશોનું નિરીક્ષણ કરીને વિસ્તૃત માહિતી મેળવી હતી. વધુમાં તેમણે ઓર્ગેનિક ખેતપેદાશોનુ ઉત્પાદન વધે તે માટે પણ સંબંધિત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ પ્રાકૃતિક ખેતપેદાશોમાંથી બનાવવામાં આવેલ ચીજોનો ટેસ્ટ કરી તેની ગુણવત્તા ચકાસીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે આણંદ જિલ્લા માટે ગૌરવની ક્ષણ હોવાનું જણાવતા જિલ્લા કલેકટરશ્રી કહ્યું  હતું કે, આણંદ જિલ્લો હંમેશા સહકારી ક્ષેત્રે અગ્રેસર રહ્યો છે. જેની યશકલગીમાં સમગ્ર ભારતની એકમાત્ર “એફ.પી.ઓ” ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કો – ઓપરેટિવ સોસાયટીના માધ્યમથી વધુ એક છોગુ ઉમેરાયું છે. આ એફ.પી.ઓ.એ સૌ પ્રથમ દરિયાપારના દેશોમાં પ્રાકૃતિક ખેત પેદાશોની  નિકાસ કરી છે. જે આણંદ જિલ્લા માટે ગૌરવની વાત છે, તેમ પણ તેમણે જણાવ્યું હતુ.

વધુમાં જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાના ખેડૂતોને અપીલ કરી વધુમાં વધુ ખેડૂતો આવા એકમ સાથે સંકળાઇને પોતાનું આર્થિક જીવનધોરણ ઊંચુ આવે તેવા પ્રયાસો કરવા ઉપર ભાર મૂકયો હતો.

આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. કે.બી.કથીરિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોનુ જીવનધોરણ ઊંચું લાવવા માટે એફ.પી.ઓ.ની સંકલ્પના રજૂ કરી હતી. જે અન્વયે આણંદ જિલ્લામાં ભારતની સૌ પ્રથમ ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કો-ઓપરેટીવ સોસાયટી નામની એફપીઓ દિવ્યેશભાઈ પટેલ દ્વારા ઉભી કરવામાં આવી હતી. જેના થકી ગત વર્ષે પણ અમેરિકામાં પ્રાકૃતિક ખેત પેદાશો આધારિત ઉત્પાદનની નિકાસ કરવામાં આવી હતી.

વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રાકૃતિક ખેત પેદાશો જે તે દેશના ધારાધોરણોને અનુરૂપ તૈયાર કરીને નિકાસ કરવામાં આવે છે. આવા ખેત પેદાશોની વિદેશો દ્વારા ખૂબ મોટી માંગ છે, તેમ તેમણે જણાવ્યું હતું.

આ તકે જર્મની ખાતે પ્રાકૃતિક ખેતપ્રેદાશોનું નિકાસ કરવા માટેનું પ્રથમ કન્ટેનરને બોરીયાવી ખાતેથી જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એફ.પી.ઓ.ના અગ્રણીશ્રી દેવેનભાઈ પટેલે સંસ્થાના નિર્માણ તથા કાર્યોની રૂપરેખા આપીને સમગ્ર રાજ્યમાંથી આવેલ ખેડૂતોને પ્રકૃતિક ખેત પેદાશોની વિદેશ ભારે માંગ છે, તેની પીપીટીના માધ્યમથી સમજાવ્યું હતુ. જર્મનીમાં પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસને તેમણે સામૂહિક ખેતી અને સામૂહિક ખેડૂતોના વિજય સમાન ગણાવ્યો હતો.

આ પ્રસંગે નાયક બાગાયત નિયામકશ્રી એસ .એસ પિલ્લાઈ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ વેળાએ પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીઓ તેમજ રાજ્ય ભરમાંથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here