પેરા એથલીટમાં વેદાંશીએ ૧૨ ગોલ્ડમેડલ, ૦૨ સિલ્વર, ૦૨ બ્રોન્ઝ મેડલ અને ૨૫ પ્રમાણપત્ર મેળવ્યા છે
આણંદ ૩૦ નવેમ્બર ૨૦૨૪: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની આણંદ મુલાકાત દરમિયાન પીપળાવ આશાપુરા માતાના મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં મુખ્યમંત્રીશ્રીના મંદિર આગમન સમયે મંદિરના પ્રાંગણમાં ઉપસ્થિત પીપળાવ ગામની પેરા એથલીટ દીકરી વેદાંશી પટેલે મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. જેને મુખ્યમંત્રીશ્રીએ સહર્ષ વધાવી લીધું હતું.
મુખ્યમંત્રીશ્રીએ મંદિરમાંથી નીકળ્યા બાદ વેદાંશીને શુભાષિશ પણ આપ્યા હતા.
સહજ પ્રશ્ન થાય કે કોણ છે આ દિવ્યાંગ દીકરી વેદાંશી !
સોજીત્રા તાલુકાના પીપળાવ ગામમાં રહેતી પેરા એથલીટ દિવ્યાંગ દીકરી વેદાંશી પ્રફુલભાઇ પટેલ પોતે દિવ્યાંગ હોવા છતાં પોતાની અથાગ મહેનત અને હાર ના માનવાના વલણને કારણે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે. ૨૦૧૭ થી ખેલમહાકુંભ મોગરી મુકામે જિલ્લા સ્તરે શરૂ કરી ગોળાફેંક, ચક્રફેંક અને ભાલાફેંકમાં ૨૦૨૨-૨૩ સુધીમાં જિલ્લામાં, રાજ્યમાં અને નેશનલ સ્તરે રમીને વેદાંશીએ કુલ ૧૨ ગોલ્ડમેડલ, ૦૨ સિલ્વર મેડલ, ૦૨ બ્રોન્ઝ મેડલ અને ૨૫ પ્રમાણપત્ર મેળવ્યા છે. જેમાં રાષ્ટ્રીય સ્તરે વેદાંશી બિહાર, બેંગલોર, ઓડીસા, બોમ્બે, જયપુર અને દિલ્હી સહિતના સ્થળોએ રમી ચૂકી છે. વેદાંશીએ સેતુ ટ્રસ્ટ, વિદ્યાનગરમાં પેરા એથ્લેટિક સ્પોર્ટ કોટાની કો-ઓર્ડિનેટર બની પીપળાવ ગામનું ગૌરવ વધાર્યું છે. ૨૦૨૩-૨૪ ના વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો જેવી યોજના હેઠળ વેદાંશીને તેજસ્વિની નામથી બિરદાવાઈ છે
વેદાંશીએ સુણાવ ખાતેથી ધોરણ ૯ થી ૧૨ નો અને ત્યારબાદ પીટીસીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હાલમાં વેદાંશી સરદાર પટેલ યુનિવર્સિટી સાથે સંલગ્ન શ્રી ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સોજીત્રાખાતે બી.એ.(B.A)ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે.
વેદાંશીના માતાપિતા બન્ને દિવ્યાંગ (વિકલાંગ) હોવા છતાં તેમની વિકલાંગતાને નજર અંદાજ કરી સફળતા તરફ આગળ વધવા સતત તેમની પ્રેરણા મેળવીને ઇન્ટરનેશનલ પેરા ઓલમ્પિકમાં રમવા ભારત દેશનું નામ રોશન કરવા દરરોજ સખત પ્રેકટિસ કરી રહી છે.
સાચે જ! પોતાની દિવ્યાંગતાને નિષ્ઠા, મહેનત અને આત્મવિશ્વાસ સાથે સફળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બનીને વેદાંશી નિમ્ન કાવ્ય પંક્તિને સાર્થક કરી રહી છે.
કદમ અસ્થિર હો, એને કદી રસ્તો નથી જડતો
અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો…
#####